Last Updated on by Sampurna Samachar
ક્રિકેટ જગતમાં શોકની લહેર
કીથ સ્ટેકપોલના નામે ૧૪૮ વિકેટ લેવાનો રેકોર્ડ પણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
IPL ૨૦૨૫ વચ્ચે ક્રિકેટ જગત માટે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ટેસ્ટ ઓપનર કીથ સ્ટેકપોલનું ૮૪ વર્ષની વયે અવસાન થયું છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમણે ૧૦,૦૦૦ થી વધુ રન બનાવ્યા છે. આ સિવાય તેમના નામે ૧૪૮ વિકેટ લેવાનો રેકોર્ડ પણ છે. તેમણે ૧૯૬૬ થી ૧૯૭૪ વચ્ચે ૪૩ ટેસ્ટ મેચ રમી અને ૭ સદી ફટકારી.
જાન્યુઆરી ૧૯૬૬માં ઈંગ્લેન્ડ સામે એડિલેડ ખાતે તેમણે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તે મેચમાં આઠમા નંબર પર બેટિંગ કરતા તેમણે ૬૪ બોલમાં ૪૩ રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં પણ બે વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ તે મેચ એક ઇનિંગ્સ અને નવ રનથી જીતી હતી.
યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સોશિયલ મીડિયા પર કહ્યું, કીથ સ્ટેકપોલના નિધનથી અમે બધા દુખી છીએ. તે સાચો વિક્ટોરિયન અને ઓસ્ટ્રેલિયન હતો જેણે જુસ્સા, હિંમત અને સન્માન સાથે રમત રમી હતી. ૧૯૬૮ની એશિઝ શ્રેણી માટે તેની પસંદગી કરવામાં આવી ન હતી, પરંતુ ૧૯૭૨માં તેને વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ઇયાન ચેપલ તે સમયે કેપ્ટન હતા અને તે શ્રેણીમાં કીથે ઓપનર તરીકે બેટિંગ કરતા સૌથી વધુ રન (૪૮૫) બનાવ્યા હતા.
ચેપલે કહ્યું, તે મને ઘણી મદદ કરતો હતો, ક્યારેક ચૂપચાપ એવા કામ કરતો હતો જે એક કેપ્ટન તરીકે કરવું મુશ્કેલ હતું. એકવાર ૧૯૭૨માં ટ્રેન્ટબ્રિજ ટેસ્ટ દરમિયાન તેણે મને કહ્યું, ત્રીજો સ્લિપ ફિલ્ડર મૂકવો જોઈએ.
મેં સૂચન સ્વીકાર્યું અને થોડા બોલ પછી ત્રીજી સ્લિપમાં કેચ થયો. તેણે ૧૯૭૦-૭૧ની એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં તેની કારકિર્દીની સવર્શ્રેષ્ઠ ફર્સ્ટ-ક્લાસ ઇનિંગ્સ રમી હતી. ૨૦૭ રન, જેમાં ૨૫ ચોગ્ગા અને ૧ છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે સમગ્ર શ્રેણીમાં ૫૨.૨૫ની એવરેજ સાથે ૬૨૭ રન બનાવ્યા. જોકે ઓસ્ટ્રેલિયાએ તે શ્રેણી ૨-૦થી ગુમાવી હતી.
તેમણે ૧૯૭૪માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. તેમણે છેલ્લી ટેસ્ટ માર્ચ ૧૯૭૪માં ન્યૂઝીલેન્ડ સામે ઓકલેન્ડમાં રમી હતી, જેમાં તે બંને ઇનિંગ્સમાં શૂન્ય પર આઉટ થયા હતા. તેમની ટેસ્ટ કારકિર્દી ૩૭.૪૨ ની સરેરાશથી ૨,૮૦૭ રન અને સાત સદી સાથે સમાપ્ત થઈ. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધ્યક્ષ માઈક બેયર્ડે કહ્યું, કીથે ક્રિકેટને ઘણું આપ્યું. એક ખેલાડી તરીકે, કોમેન્ટેટર તરીકે અને માર્ગદર્શક તરીકે તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના પરિવારમાં તેમની પત્ની અને બાળકો પીટર, ટોની અને એન્જેલા છે.