Last Updated on by Sampurna Samachar
ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફેરફાર
ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથે પોતાનું ચોથું સ્થાન જાળવી રાખ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ICC રેન્કિંગમાં આ વખતે મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે, ઇંગ્લેન્ડનો પૂર્વ ટેસ્ટ કેપ્ટન જો રૂટ, જે લાંબા સમયથી નંબર ૧ની ખુરશી પર વિરાજમાન હતો. તેની પાસેથી હવે નંબર ૧નો તાજ છીનવાઈ ગયો છે. તે ઘણો નીચે સરકી ગયો છે. હૈરી બ્રૂક ટેસ્ટમાં નંબર ૧ બેટ્સમેન બની ગયો છે. આ વચ્ચે ભારતીય કેપ્ટન શુભમન ગિલે લાંબી છલાંગ લગાવી છે. જોકે ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલને થોડું નુકસાન સહન કરવું પડ્યું છે.

ઇંગ્લેન્ડનો હૈરી બ્રૂક હવે ICC નો નંબર વન ટેસ્ટ બેટ્સમેન બની ગયો છે. હૈરી બ્રૂકની રેટિંગ વધીને ૮૬૯ થઈ ગઈ છે. તેને આ વખતે એક સ્થાનનો ફાયદો મળ્યો છે. આ વચ્ચે ઓસ્ટ્રેલિયાના ધાકડ બેટ્સમેનોમાંથી એક ટ્રેવિસ હેડે પણ એક સ્થાનની છલાંગ મારી છે. તે હવે બીજા નંબરે પહોંચી ગયો છે. તેની લેટેસ્ટ રેટિંગ ૮૫૩ છે. જો રૂટ પહેલાથી હવે સીધો ત્રીજા નંબર પર પહોંચી ગયો છે. તેને બે સ્થાનનું નુકસાન થયું છે.
શુભમન ગિલે બે સ્થાનની છલાંગ લગાવી
રૂટની રેટિંગ ઘટીને હવે ૮૫૧ થઈ ગઈ છે. હાલમાં જ ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ટેસ્ટ મેચમાં રૂટનું બેટ ચાલ્યું નહોતું. પહેલી ઇનિંગમાં તે એક રન બનાવીને આઉટ થઈ ગયો અને બીજી ઇનિંગમાં આઠ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેનું નુકસાન તેને આ વખતે રેન્કિંગમાં થયું છે.
ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથે પોતાનું ચોથું સ્થાન જાળવી રાખ્યું છે. શ્રીલંકાના કામેન્દુ મેન્ડિસને એક સ્થાનનો ફાયદો થયો છે અને તે ૫માં નંબરે આવી ગયો છે. કેન વિલિયમસનની વાત કરીએ તો તેને પણ એક સ્થાનનું નુકસાન થયું છે. તે હવે નંબર ૬ પર પહોંચી ગયો છે. તેની રેટિંગ ૭૮૦ છે. કેનના બેટમાંથી પણ છેલ્લા કેટલાક સમયથી રન આવ્યાં નથી. ટેમ્બા બાવુમા નંબર સાત પર જ યથાવત છે.
આ વચ્ચે ભારતીય કેપ્ટન શુભમન ગિલની વાત કરીએ તો તેણે બે સ્થાનની છલાંગ લગાવી છે. તે હવે સીધો નંબર ૮ પર પહોંચી ગયો છે. તેની રેટિંગ ૭૪૩ થઈ ગઈ છે. અફઘાનિસ્તાન સામે રમાયેલી ટેસ્ટમાં શુભમન ગિલે ૧૨૬ રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેના કારણે જ તેના રેટિંગમાં આટલો ઉછાળો જોવા મળ્યો છે. યશસ્વી જયસ્વાલ એક સ્થાનના નુકસાન સાથે નવમાં નંબરે સરકી ગયો છે. શ્રીલંકાના દિનેશ ચંદીમલને એક સ્થાનનો ફાયદો થયો છે અને નંબર ૧૦ પર આવી ગયો છે.