Last Updated on by Sampurna Samachar
સંક્રમિત યુવક આણંદના પેટલાદનો રહેવાસી
આરોગ્ય તંત્ર એલર્ટ મોડ આવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા શહેરમાં લગભગ ચાર વર્ષ બાદ કોરોનાનો એક કેસ નોંધાતા ફફડાટ વ્યાપ્યો છે. વાત કરીએ તો શહેરની સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીને દાખલ કરવામાં આવતા આરોગ્ય તંત્રે તાત્કાલિક જરૂરી તકેદારીના પગલાં શરૂ કર્યા છે. દર્દીના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરી તેમના આરોગ્યની તપાસ અને મોનિટરિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

પ્રાથમિક માહિતી મુજબ સંક્રમિત યુવક આણંદ જિલ્લાના પેટલાદનો રહેવાસી છે. યુવકમાં તાવ, શરદી અને શ્વાસ સંબંધિત કેટલાક લક્ષણો જોવા મળતાં તેને તબીબી તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. ડોક્ટરોની સલાહ મુજબ તેના નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં થયેલી તપાસમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ હતી. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ દર્દીને વધુ સારવાર માટે તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આરોગ્ય વિભાગ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર
કોરોના કેસની પુષ્ટિ થતાં જ હોસ્પિટલના વિશેષ કોવિડ વોર્ડમાં દર્દીને આઇસોલેશન હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે અને દર્દીની તબિયત પર સતત નજર રાખવામાં આવી રહી છે. હોસ્પિટલ પ્રશાસને ચેપ ફેલાવાનો કોઈ ખતરો ન રહે તે માટે જરૂરી તમામ આરોગ્ય પ્રોટોકોલ અમલમાં મૂક્યા છે.
આરોગ્ય વિભાગે દર્દીના છેલ્લા કેટલાક દિવસોના પ્રવાસ, સંપર્કમાં આવેલા લોકો અને પરિવારના સભ્યોની વિગતો એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. સંપર્કમાં આવેલા લોકોને જરૂરી તપાસ, ટેસ્ટિંગ અને આરોગ્ય સંબંધિત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જરૂરિયાત મુજબ તેમને હોમ આઇસોલેશન અથવા અન્ય જરૂરી તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવી છે.
અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હાલ ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. શરદી, તાવ, ઉધરસ અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાય તો તરત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.
સાથે જ માસ્કનો ઉપયોગ, હાથની સ્વચ્છતા અને ભીડભાડવાળા સ્થળોએ સાવચેતી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરિયાત મુજબ વધુ ટેસ્ટિંગ તથા સર્વેલન્સની કામગીરી વધારવામાં આવશે. ચાર વર્ષ બાદ નોંધાયેલા આ કેસને ધ્યાનમાં રાખીને આરોગ્ય તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે અને કોઈપણ સંભવિત સંક્રમણને સમયસર નિયંત્રિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.