Last Updated on by Sampurna Samachar
હારીજના સરકારી દસ્તાવેજમાં વિસ્તારનુ નામ જ બદલાઇ ગયું
મૂળ નામ પુન:સ્થાપિત કરવાની સ્થાનિકોની માંગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાટણના હારીજ શહેરમાં સરકારી દસ્તાવેજોમાં વિસ્તારના નામમાં થયેલા કથિત ફેરફારને લઈને વિવાદ ઊભો થયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, વર્ષોથી ઓળખાતા ‘ઝાપટપુરા‘ વિસ્તારનું નામ કેટલાક સરકારી રેકોર્ડ અને રાશનકાર્ડમાં ‘ઇસ્લામપુરા‘ તરીકે દર્શાવાતા લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે વહીવટી તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

સ્થાનિકોના કહેવા મુજબ, તાજેતરમાં રાશનકાર્ડની પ્રક્રિયા દરમિયાન અપડેટ થયેલા સરનામામાં ‘ઝાપટપુરા‘ના બદલે ‘ઇસ્લામપુરા‘ નામ જોવા મળ્યું હતું. ત્યારબાદ કેટલાક અન્ય સરકારી દસ્તાવેજોમાં પણ આ જ નામ નોંધાતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.
સમગ્ર મામલે સત્તાવાર તપાસ ચાલુ
સ્થાનિક રહીશોએ દાવો કર્યો છે કે વિસ્તારનું નામ બદલવા અંગે કોઈ સત્તાવાર જાહેરનામું, નગરપાલિકાનો ઠરાવ અથવા રાજ્ય સરકારની મંજૂરી જાહેર કરવામાં આવી નથી. તેથી આ ફેરફાર કેવી રીતે થયો તેની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી છે.
મામલો સામે આવ્યા બાદ વિવિધ સ્થાનિક સંગઠનો અને રહીશોએ મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરીને દસ્તાવેજાેમાં મૂળ વિસ્તારનું નામ ફરીથી નોંધવાની માંગ કરી હતી. આ રજૂઆત બાદ સમગ્ર મુદ્દો જિલ્લા વહીવટી તંત્ર સુધી પહોંચ્યો હતો.વિવાદને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રે સંબંધિત અધિકારીઓને સમગ્ર ઘટનાની તપાસ કરીને અહેવાલ રજૂ કરવા સૂચના આપી છે.
પ્રાથમિક સ્તરે ટેકનિકલ ખામી, ડેટા એન્ટ્રીમાં ભૂલ અથવા અન્ય કોઈ કારણ જવાબદાર છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જો કોઈ ભૂલ અથવા અનિયમિતતા સામે આવશે તો નિયમ મુજબ જરૂરી સુધારા કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે સત્તાવાર તપાસ ચાલુ છે અને તેના પરિણામ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.