Last Updated on by Sampurna Samachar
શેરબજારના નામે ૧૦ કરોડથી વધુની ઠગાઈ
અન્ય કોઈ ભોગ બનનાર સામે આવ્યા નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં નફાની લાલચમાં કેટલાય લોકો લાખો અને કરોડો પૈસા ખોઇ બેસતાં હોય છે. ત્યારે અમદાવાદમાં શેરબજારમાં રોકાણ પર ઊંચા નફાની લાલચ આપીને પોતાના જ સગા કૌટુંબિક મામા સાથે ૧૦ કરોડથી વધુની છેતરપિંડી આચરવાના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે.

માહિતી મુજબ જગતપુર અને ગાંધીનગરમાં CA ફર્મ ચલાવતા જવલીન નાયક અને તેની પત્ની બોસકી નાયકે આયોજનપૂર્વક પોતાના કૌટુંબિક મામા કૌશલ નાયક પાસેથી ૫.૯૧ કરોડ અને તેમના અન્ય સંબંધીઓ પાસેથી ૪.૪૪ કરોડ ખંખેરી લીધા હતા. આમ, કુલ ૧૦.૩૬ કરોડથી વધુ રકમ પડાવીને આ ઠગ દંપતીએ મોટી છેતરપિંડી આચરી હતી.
પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા
એટલું જ નહીં, આરોપીઓએ છેતરપિંડીના હેતુથી ફરિયાદીના નામે એક બોગસ કંપની પણ ઊભી કરી દીધી હતી.આ સમગ્ર કૌભાંડનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે ફરિયાદી કૌશલ નાયકે પોતાની દીકરીના યુએસએના વિઝા મેળવવા માટે આરોપીઓ પાસે પોતાના રૂપિયા પરત માંગ્યા હતા. આરોપીઓએ રૂપિયા આપવાના બદલે ફરિયાદીના બેંક એકાઉન્ટમાં ૫૦ લાખ જમા કરાવ્યા હોવાની એક બોગસ બેંક સ્લીપ પકડાવી દીધી હતી. આ અંગે જાણ થતાં આખરે ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી જવલીન અને બોસકીની ધરપકડ કરી હતી.
પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ૨૧મી જૂન સુધીના રિમાન્ડ મેળવ્યા છે અને હવે તેઓએ આ ૧૦ કરોડથી વધુની રકમનું ક્યાં રોકાણ કર્યું છે તે અંગેની સઘન તપાસ શરૂ કરી છે.આ અંગે EoW ના ACP એ જણાવ્યું કે, ‘અમારી પાસે કૌશલ નાયક નામના વ્યક્તિએ પોતાના જ કુટુંબી ભાણિયા જોય ઉર્ફે જયપ્રકાશ નાયક અને તેની પત્ની બોસકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ બંને આરોપીઓ વ્યવસાયે CA છે અને તેમણે ફરિયાદીને મોટી કંપનીઓ સાથે કરાર હોવાનું જણાવી શેર માર્કેટમાં રોકાણ કરીને ૫૦% અથવા તો મહિને ૩% જેટલો નફો કમાઈ આપવાની લાલચ આપી હતી. ફરિયાદીએ ૨૦૨૧થી ૨૦૨૫ સુધીમાં આશરે ૫ કરોડ રૂપિયાનું અને તેમના અન્ય ૬થી ૭ સગા-સંબંધીઓએ મળીને આશરે ૪.૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જે કુલ ૧૦ કરોડ રૂપિયાથી વધુ થાય છે. આરોપીઓ ખોટો ખર્ચ કરીને લેવિશ લાઈફસ્ટાઈલ જીવતા હતા જેથી લોકોને તેમની આર્થિક સમૃદ્ધિ અને સ્કીલ પર વિશ્વાસ બેસી જાય.
તેમણે ફરિયાદીને લાંબા ગાળાના રોકાણના બહાને ભોળવ્યા હતા, પરંતુ જ્યારે ફરિયાદીની દીકરીને જવા માટે પૈસાની જરૂર પડી, ત્યારે આરોપીઓએ બોગસ બેંક રસીદો આપી અને છેવટે પૈસા પરત આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.‘
વધુમાં તેમણે જણાવ્યું કે, ‘આ ફરિયાદના આધારે અમે આ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને નામદાર કોર્ટમાંથી ૨૧/૬ સુધીના રિમાન્ડ પણ મેળવી લીધા છે. આરોપીઓ પોતે ઝ્રછ હોવાથી નાણાકીય ટ્રાન્ઝેક્શન કઈ રીતે કરવા અને ક્યાં કરવા તેમાં ખૂબ પાવરધા છે, તેથી અમે તેમની મની ટ્રેલ શોધી રહ્યા છીએ અને તેમણે પોતાના કે અન્ય કોઈના નામે વસાવેલી મિલકતો શોધીને તેને સીઝ કરવાની કાર્યવાહી પણ કરીશું.
આ કેસમાં તેમણે ફરિયાદીના નામે એક બોગસ કંપની ઊભી કરીને ખોટી સહીઓથી ટ્રાન્ઝેક્શન કર્યાનું પણ સામે આવ્યું છે. હાલમાં અન્ય કોઈ ભોગ બનનાર સામે આવ્યા નથી. પરંતુ અન્ય કોઈ વ્યક્તિ આ લોકોનો ભોગ બની હોય, તો તેઓ ફરિયાદ નોંધાવવા માટે પોલીસનો સંપર્ક કરી શકે છે.