Last Updated on by Sampurna Samachar
વેપારીઓને ટાર્ગેટ બનાવી કેરીના બોક્સ અને રોકડની કરતા હતા ચોરી
૧૦ બોક્સ અને રોકડ મળીને કુલ ૬ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચોમાસાની શરૂઆત થવાની છે ત્યારે કેરીની સીઝન હવે પૂર્ણતા તરફ આગળ વધી રહી છે. જેથી કેરીના ચાહકો બજારમાં કેરી ખરીદવા જઇ રહ્યા છે. પરંતુ આ વચ્ચે રાજ્યમાંથી કેરીની ચોરીનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે.
વાત કરીએ તો જૂનાગઢમાં કેરીની ચોરીનો કેસ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, કેરીના વેપારીઓને ટાર્ગેટ બનાવીને કેરીના બોક્સ અને રોકડની ચોરી કરતા જેતપુરના એક દંપતીને પોલીસે પકડી પડ્યા છે. ઉપરાંત પોલીસે તેમની પાસેથી ચોરી કરેલા કેરીના ૧૦ બોક્સ અને રોકડ મળીને કુલ ૬ લાખ કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
જેતપુરના એક દંપતીની અટકાયત
ગીર વિસ્તારમાં કેસર કેરીની સીઝન હવે બિલકુલ તેના અંતિમ ચરણો તરફ આગળ વધી રહી છે આવા સમયે બજારમાં અને ખાસ કરીને આંબાવાડીયા વિસ્તારમાં કેરીના બોક્સ અને તેનું વેચાણ કરતા નાના નાના વેપારીઓ માર્ગ પર કેરીના વેચાણ સાથે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. આવા નાના વેપારીઓને ટાર્ગેટ બનાવીને જેતપુરનું એક દંપતિ કેરી ચોરી કરતું પોલીસે પકડી પાડ્યું છે.
ગત ૯ મે થી લઈને ૧૦ મે ની વહેલી સવાર સુધીમાં તાલાલા નજીક સોફિયાન કના નામના નાના વેપારીની કેબિનમાંથી કેરીના ૧૮ બોક્સ અને ૧૦૦૦૦ રૂપિયા રોકડ ચોરી થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી હતી, જેની તપાસને અંતે પોલીસે આજે જેતપુરના એક દંપતીની અટકાયત કરી છે.
આ દંપતી રાજકોટ જિલ્લાના જેતપુરમાં રહે છે. છેલ્લા ઘણા સમયથી જેતપુરની સાથે જૂનાગઢના વંથલીમાં પણ તેમના વિરુદ્ધ ૨૦ કરતાં વધારે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ પકડમાં રહેલા પતિ-પત્ની પૈકી પતિ પર જેતપુર શહેર અને તાલુકામાં બે પોલીસ ફરિયાદ અગાઉ નોંધાઈ ચૂકી છે, તો મહિલા તો જાણે કે ગુના કરવામાં એકદમ પાવરફુલ હોય તેમ તેની સામે ૨૦ જેટલા ગુના નોંધાયા છે.
જેમાં એક જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે અને ૧૯ જેટલા ગુના રાજકોટ જિલ્લાના જેતપુર શહેર અને તાલુકામાં નોંધાયા છે.તાલાલા પોલીસની પકડમાં રહેલા બંટી-બબલી દંપતી પાસેથી પોલીસે ચોરી કરેલા ૧૮ કેરીના બોક્સ, ૧૦,૦૦૦ રૂપિયા રોકડ અને ૦૩ પીએ ૧૧૧૭ નંબર કાર મળીને કુલ ૬ લાખ કરતા વધારેનો મુદ્દામાલ જપ્ત કરીને દંપતી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.
કેરીની સિઝનમાં કેરીની ચોરી થવાના છૂટક કેસ નોંધાતા હોય છે પરંતુ આવા કિસ્સામાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સતત સંકળાયેલા વ્યક્તિઓ પકડાતા હોતા નથી. પરંતુ આ વખતે ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને જેના પર ૨૦ કરતાં પણ વધુ ગુનાઓ રજીસ્ટર થયા છે તેવા આરોપીઓ પકડાતા ખુદ તલાલા પોલીસ પણ ચોંકી ઉઠી છે. પીઆઈ જે.એન. ગઢવીની રાહબરી નીચે સમગ્ર મામલામાં પોલીસે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.