Last Updated on by Sampurna Samachar
યુવાનોમાં વધી રહેલ હાર્ટ એટેકના બનાવથી ચિંતા
સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાલના સમયમાં યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, ત્યારે જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ૩૦ વર્ષીય આશાસ્પદ યુવકનું અચાનક હાર્ટ એટેક આવવાને કારણે સેકન્ડોમાં મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, રામેશ્વરનગર વિસ્તારમાં રહેતો ૩૦ વર્ષીય યુવક ઓટલા પર બેઠો હતો. તે અન્ય લોકો સાથે સામાન્ય રીતે વાતચીત કરી રહ્યો હતો અને બધું જ સામાન્ય જણાતું હતું. જોકે, અચાનક જ તેને છાતીમાં તીવ્ર દુ:ખાવો ઉપડ્યો હતો. યુવક કંઈ સમજે તે પહેલા જ તે ઓટલા પરથી નીચે ઢળી પડ્યો હતો.
હોસ્પિટલ પહોંચે તે પહેલા થયુ મોત
યુવકને જોઈ આસપાસના લોકો તેની મદદે દોડી આવ્યા હતા. તેને બચાવવા માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ યુવકનું મોત નીપજ્યું હતું. તબીબોના પ્રાથમિક રિપોર્ટ અનુસાર, મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. જે વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક તદ્દન સ્વસ્થ અવસ્થામાં બેસીને વાતો કરી રહ્યો છે અને અચાનક જ તે મોતને ભેટે છે. આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્થાનિક રહીશોમાં ગભરાટ અને ફાળ પડી ગઈ છે.