Last Updated on by Sampurna Samachar
અન્ય ત્રણ કામદારોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી
ભરૂચના ઝઘડિયા પંથકમાં સિલિકા પ્લાન્ટનો બનાવ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભરૂચના ઝઘડિયા પંથકમાં આવેલી ટ્રકની અડફેટે માસુમનુ મોત નિપજતા પંથકમાં ખળભળાટ મચ્યો હતો. વાત કરીએ તો પ્લાન્ટમાં કામ કરી રહેલા મધ્યપ્રદેશના શ્રમિક પરિવાર પર કાળમુખી ટ્રક ફરી વળતા ૩ વર્ષની માસૂમ બાળકીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, સિલિકા પ્લાન્ટમાં એક ટ્રક ચાલક બેદરકારીપૂર્વક પોતાનું વાહન રિવર્સ લઈ રહ્યો હતો. આ સમયે ત્યાં કામ કરી રહેલા મધ્યપ્રદેશના વતની એવા ચાર શ્રમિકો ટ્રકની અડફેટે આવી ગયા હતા. ટ્રકનું તોતિંગ પૈડું શ્રમિકો પર ફરી વળતા ૩ વર્ષની નાનકડી બાળકીનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો.
ટ્રક ચાલકની ગંભીર બેદરકારી જોવા મળી
આ અકસ્માતમાં અન્ય ત્રણ કામદારોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની આ સમગ્ર ઘટના પ્લાન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં ટ્રક ચાલકની ગંભીર બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે.