Last Updated on by Sampurna Samachar
ઓટો રિક્ષાની હડતાળના કારણે BRTS માં મુસાફરોનુ ઘોડાપુર
હડતાળના પગલે BRTS તંત્રએ બસો દોડાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરમાં વિવિધ પડતર માંગણીઓને લઈને ઓટોરિક્ષા ચાલકો હડતાળ પર ઉતરી જતાં શહેરના રોડ-રસ્તા પરથી રિક્ષાઓ ગાયબ જોવા મળી હતી. આ સ્થિતિમાં દૈનિક અપ-ડાઉન કરતા નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો માટે BRTS જાનકી સમાન સાબિત થઈ છે.

હડતાળના પગલે BRTS તંત્ર દ્વારા તાબડતોબ ર્નિણય લઈને તમામ રૂટ પર બસો દોડતી રાખવામાં આવી છે. એટલું જ નહીં, જે ડ્રાઇવરો રજા પર હતા તેમની રજાઓ પણ ત્વરિત અસરથી રદ્દ કરીને તમામ સ્ટાફને ઓન-ડ્યુટી બોલાવી લેવામાં આવ્યો છે.
BRTS ના કારણે મુસાફરોને હાલાકીમાંથી મળી રાહત
આંકડાકીય વિગતો મુજબ, સામાન્ય દિવસોમાં બપોરના અઢી વાગ્યા સુધીમાં BRTS માં અંદાજે ૬૫,૦૦૦જેટલા મુસાફરો યાત્રા કરતા હોય છે. જોકે, હડતાળના દિવસે બપોરે અઢી વાગ્યા સુધીમાં જ આ આંકડો ૧,૦૦,૮૦૪ મુસાફરો પર પહોંચી ગયો હતો.
બપોરે અઢી વાગ્યા સુધીમાં જ BRTS ને રૂ. ૧૩,૮૨,૮૮૨ ની ભવ્ય આવક થઈ છે. શહેરના તમામ રૂટ પર મુખ્યત્વે ઇલેક્ટ્રિક બસો દોડતી હોવાથી સતત સેવાઓ ખોરવાય નહીં તે માટે ચાર્જિંગ પોઇન્ટ્સ પર વિશેષ ટેકનિકલ ટીમ તૈનાત રાખવામાં આવી છે. ઓટોરિક્ષાઓ બંધ હોવા છતાં BRTS ની સુચારુ કામગીરીને કારણે શહેરીજનોને હાલાકીમાંથી મોટી રાહત મળી છે.