Last Updated on by Sampurna Samachar
જુનાસાવર ગામે ૮ દિવસથી ગુમ ખેડૂતનુ શંકાસ્પદ મોત
પોલીસે મોતનુ કારણ જાણવા કાર્યવાહી હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમરેલીના સાવરકુંડલા તાલુકાના જુનાસાવર ગામે એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાત કરીએ તો ગામમાં રહેતા અને છેલ્લા આઠ દિવસથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા ખેડૂત દિલીપભાઈ દેસાઈના હાડકા અને શરીરના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે અરેરાટી સાથે ભયનો માહોલ ફેલાયો છે.

ઘટનાની વિગત એવી છે કે દિલીપભાઈ દેસાઈ છેલ્લા આઠ દિવસથી પોતાના ઘરેથી ગુમ હતા. શોધખોળ દરમિયાન તેમના જ ખેતરમાંથી તેમનું ટ્રેક્ટર, બૂટ અને લોહીથી લથપથ કપડાં મળી આવ્યા હતા, જેનાથી કોઈ મોટી અણહોની થઈ હોવાની આશંકા દ્રઢ બની હતી. વન વિભાગ અને પોલીસની ટીમો દ્વારા ઘટનાસ્થળે સઘન સ્કેનિંગ અને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સર્ચ ઓપરેશન દરમિયાન જ ખેતરાડી વિસ્તારમાંથી ખેડૂતના હાડકા અને શરીરના અન્ય અવશેષો મળી આવ્યા હતા.
FSL રિપોર્ટ બાદ મોતનુ કારણ જાણી શકાશે
જુનાસાવર ગામના સ્થાનિક ગ્રામજનોમાં એવી પ્રબળ આશંકા સેવાઈ રહી છે કે ખેડૂત દિલીપભાઈ પર કોઈ હિંસક સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોઈ શકે છે અને સિંહે જ તેમને ફાડી ખાધા છે. જોકે, આ સિંહનો હુમલો છે કે અન્ય કોઈ કારણ, તે અંગે હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
પોલીસે મૃતકના અવશેષોને એકત્ર કરી સાવરકુંડલાથી ભાવનગર ખાતે FSL લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. વન વિભાગ અને પોલીસના જણાવ્યા અનુસાર, FSL રિપોર્ટ આવ્યા બાદ જ ખેડૂતના મોતનું સાચું અને ચોક્કસ કારણ બહાર આવશે.