Last Updated on by Sampurna Samachar
BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલમાં ચર્ચા
ગરમીથી બચવા માટે IPL આગામી વર્ષે વહેલા શરૂ કરવાનો વિચાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
IPL 2026 હમણાં પૂર્ણ થઇ છે ને હવે આગામી IPL 2027 અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. અહેવાલો અનુસાર, IPL 2027 થોડી વહેલી શરૂ થશે અને મેના મધ્ય સુધીમાં સમાપ્ત થશે. વધુમાં BCCI હાલમાં મેચોની સંખ્યા વધારવાનો વિચાર કરી રહ્યું નથી.

BCCI મે મહિનામાં દેશના મોટાભાગના ભાગોમાં ભારે ગરમીથી બચવા માટે IPL આગામી વર્ષે ૧૦ માર્ચથી ૧૫ મે સુધી શેડ્યૂલ કરવાનું વિચારી રહ્યું છે. બોર્ડ સચિવ દેવજીત સૈકિયાએ તેમણે સ્પષ્ટતા કરી કે, વ્યસ્ત આંતરરાષ્ટ્રીય શેડ્યૂલને કારણે મેચોની સંખ્યા વધારવામાં આવશે નહીં.
૧૫ મે સુધીમાં તેને પૂર્ણ કરી શકાય
IPL સામાન્ય રીતે માર્ચના છેલ્લા અઠવાડિયામાં શરૂ થાય છે અને મેના અંત સુધી ચાલે છે. સૈકિયાએ જણાવ્યું હતું કે IPL વહેલા શરૂ કરવાથી માત્ર ખેલાડીઓ જ નહીં પરંતુ દર્શકોને પણ ફાયદો થશે. બોર્ડ સેક્રેટરીએ જણાવ્યું હતું કે મે મહિનાના વધતા તાપમાને કારણે બે અઠવાડિયા વહેલા ટુર્નામેન્ટ શરૂ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, માર્ચના અંત કરતાં થોડી વહેલી ટુર્નામેન્ટ શરૂ કરી શકીએ કે કેમ તે અંગે BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલમાં ચર્ચા ચાલી રહી છે.
સૈકિયાએ વધુમાં જણાવ્યું કે, અમે આવતા વર્ષથી તેને વહેલા શરૂ કરવાનો પ્રયાસ કરીશું. મેં અમારા જનરલ મેનેજર પૂર્વ ફાસ્ટ બોલર એબે કુરુવિલાને એક શેડ્યૂલ તૈયાર કરવા સૂચના આપી છે, જે અમને ૧૦ માર્ચ સુધીમાં ટુર્નામેન્ટ શરૂ કરવાની અને ૧૫ મે સુધીમાં તેને પૂર્ણ કરી શકાય.
દેવજીત સૈકિયાએ વધુમાં જણાવ્યું હતું કે IPL ૨૦૨૭માં મેચોની સંખ્યામાં વધારો કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, મને ખબર નથી કે આગામી વર્ષોમાં પરિસ્થિતિ શું હશે, પરંતુ હાલ માટે મને મેચોની સંખ્યા ૭૪ થી વધારીને ૯૪ કરવાની કોઈ શક્યતા દેખાતી નથી, કારણ કે આમ કરવા માટે માત્ર ભારતના જ નહીં પરંતુ અન્ય ICC સંલગ્ન ક્રિકેટ દેશો ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓના હિતોને ધ્યાનમાં લેવા પડશે.