Last Updated on by Sampurna Samachar
યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ કરી લેખિત ફરિયાદ
હજુ કોઇ સત્તાવાર ફરિયાદ નથી , ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજીસ્ટ્રારે કહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
છોટાઉદેપુર સ્થિત ‘માં ગાયત્રી નર્સિંગ કોલેજ’ સામે આદિવાસી અને ગરીબ વિદ્યાર્થીઓના આર્થિક શોષણના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. વિદ્યાર્થીઓના હિત માટે અવાજ ઉઠાવતા યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આ મામલે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં લેખિત ફરિયાદ કરી છે.

ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કોલેજ દ્વારા ફ્રીશીપ કાર્ડનો લાભ મેળવતા વિદ્યાર્થીઓ પાસેથી નિયમ વિરુદ્ધ વધારાની રકમ વસૂલવામાં આવી રહી હતી. કેટલાક વિદ્યાર્થીઓ પાસેથી હોસ્ટેલમાં ન રહેવા છતાં ફરજિયાત હોસ્ટેલ ફી અને ફૂડ બિલ લેવામાં આવતું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
૫૦ લાખ સુધીની ગેરકાયદેસર વસૂલાત
યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, કોલેજ પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓની અસલ માર્કશીટ પણ પોતાની પાસે રાખવામાં આવી હોવાના આક્ષેપો છે. આ સમગ્ર પ્રક્રિયાને કારણે વિદ્યાર્થીઓ પર દબાણ ઊભું કરવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે, અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓ પાસેથી અંદાજે રૂ. ૪૦થી ૫૦ લાખ સુધીની ગેરકાયદેસર વસૂલાત કરવામાં આવી હોઈ શકે છે. જોકે, આ તમામ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ તપાસ બાદ જ થઈ શકશે.
બીજી તરફ ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજીસ્ટ્રાર ડૉ. પ્રજ્ઞા ડાભીએ જણાવ્યું છે કે, અત્યાર સુધી આવી કોઈ સત્તાવાર ફરિયાદ તેમની પાસે આવી નહોતી. હવે ફરિયાદ મળ્યા બાદ આગામી બોર્ડ મિટિંગમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને તપાસ બાદ જો કોઈ ગેરરીતિ સાબિત થશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે વિદ્યાર્થીઓના હિત અને શૈક્ષણિક સંસ્થાઓની પારદર્શિતા અંગે ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે.