Last Updated on by Sampurna Samachar
મનપા દ્વારા શહેરમાં ચાલશે એક વર્ષ સુધી વિશેષ ડ્રાઇવ
મેયર ડો. નેહલ શુક્લાએ આપી માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ શહેરમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે કડક કાર્યવાહી કરવા રાજકોટ મહાનગરપાલિકાએ એક વર્ષ લાંબી મેગા ડ્રાઇવ શરૂ કરવાની જાહેરાત કરી છે. મેયર ડો. નેહલ શુક્લાએ ભેળસેળખોરો સામે કડક વલણ અપનાવતાં તેમને ખુલ્લી ચેતવણી આપી છે અને કહ્યું છે કે, ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરનાર લોકો સમાજ સામે આતંકવાદી ષડયંત્ર જેટલું ગંભીર પાપ કરી રહ્યા છે.

મેયર ડો. નેહલ શુક્લાએ જણાવ્યું હતું કે, ભેળસેળના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે સીધો ચેડો થાય છે અને આવા તત્વો સામે હવે કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવશે નહીં. આજથી શરૂ થનારી વિશેષ ઝુંબેશ આગામી એક વર્ષ સુધી સતત ચાલશે અને તેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે.
ભેળસેળના વધતા પ્રશ્ન સામે એક મહત્વપૂર્ણ પગલું
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ત્રણ અલગ-અલગ કેટેગરીમાં તપાસ હાથ ધરાશે. જેમાં તૈયાર ખાદ્ય પદાર્થો, રોજિંદા વપરાશની ખાદ્ય ચીજવસ્તુઓ તેમજ અનાજ સહિતના વિવિધ નમૂનાઓ લેવામાં આવશે.
વાત કરીએ તો લેવાયેલા નમૂનાઓના પરીક્ષણમાં વિલંબ ન થાય તે માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. જેથી ઝડપથી રિપોર્ટ મેળવી કાયદેસરની કાર્યવાહી થઈ શકે. મેયર ડો. નેહલ શુક્લાએ શહેરના નાગરિકોને પણ આ અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, જો કોઈ વ્યક્તિ અથવા સંસ્થા ભેળસેળયુક્ત ખોરાકનું વેચાણ કરતી હોવાની માહિતી હોય તો લોકો તાત્કાલિક મહાનગરપાલિકાને જાણ કરે. નાગરિકોના સહકારથી ભેળસેળના દૂષણ સામે વધુ અસરકારક રીતે લડી શકાશે.
આ અંગે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, ખાદ્ય સુરક્ષા અને જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને આગામી મહિનાઓમાં નિયમિત તપાસ અને સેમ્પલિંગની કામગીરી વધારવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ અને ઉત્પાદકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાની આ જાહેરાતને શહેરમાં ભેળસેળના વધતા પ્રશ્ન સામે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. હવે આગામી દિવસોમાં આ મેગા ડ્રાઇવ દરમિયાન કેટલા નમૂનાઓ લેવામાં આવે છે અને કેટલા કેસોમાં કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર રહેશે.