Last Updated on by Sampurna Samachar
પર્યટકો અને સ્થાનિકોને મુશ્કેલીનો કરવો પડે છે સામનો
દરિયાઈ જીવસૃષ્ટિ પર અસર થવાની આશંકા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચોમાસાની શરૂઆત સાથે વલસાડ જિલ્લાના ઉમરગામ દરિયા કિનારે મોટા પ્રમાણમાં માનવસર્જિત કચરો તણાઈ આવ્યો છે. જેના કારણે પર્યાવરણપ્રેમીઓ અને સ્થાનિકોમાં ચિંતા વધી છે. ભરતી બાદ કિનારે પ્લાસ્ટિક, કાચની બોટલો, કપડાં, લાકડું અને અન્ય ઘન કચરાનો ઢગલો જોવા મળ્યો છે, જેના કારણે દરિયાકાંઠાની સ્વચ્છતા અને દરિયાઈ જીવસૃષ્ટિ પર અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસા દરમિયાન આવી સ્થિતિ સર્જાય છે, પરંતુ આ વખતે કચરાનું પ્રમાણ વધુ હોવાનું જોવા મળી રહ્યું છે. કિનારે જમા થયેલા કચરાના કારણે પર્યટન, સ્થાનિક માછીમારો અને આસપાસના રહેવાસીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અસરકારક પગલાં લેવા સ્થાનિકોની તંત્રને અપીલ
પર્યાવરણ પ્રેમીઓના જણાવ્યા અનુસાર નદી-નાળાઓ મારફતે વહેતો ઘન કચરો, અયોગ્ય કચરા વ્યવસ્થાપન અને કેટલાક વિસ્તારોમાંથી દરિયામાં પહોંચતો કચરો આ સ્થિતિ માટે જવાબદાર હોઈ શકે છે. જાેકે, કચરાના મૂળ સ્ત્રોત અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, દરિયામાં પ્લાસ્ટિક અને અન્ય ઘન કચરો વધવાથી માછલીઓ, કાચબા અને અન્ય જળચર પ્રાણીઓ પર ગંભીર અસર થઈ શકે છે. પ્લાસ્ટિકના નાના કણો દરિયાઈ જીવસૃષ્ટિ માટે જોખમ ઊભું કરે છે અને લાંબા ગાળે દરિયાઈ પર્યાવરણના સંતુલનને પણ અસર પહોંચાડી શકે છે.
સ્થાનિકોએ સંબંધિત તંત્રને કિનારાની તાત્કાલિક સફાઈ કરાવવા, કચરાના સ્ત્રોતની ઓળખ કરવા અને લાંબા ગાળાના કચરા વ્યવસ્થાપન માટે અસરકારક પગલાં લેવા અપીલ કરી છે. પર્યાવરણના સંરક્ષણ માટે સરકાર, સ્થાનિક તંત્ર, ઉદ્યોગો અને નાગરિકો સૌએ સંયુક્ત રીતે જવાબદારી નિભાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.