Last Updated on by Sampurna Samachar
દિકરા પાસે ગયેલ દંપતિના ઘરમાંથી લાખોની ચોરી
વડોદરાના અકોટા વિસ્તારમાં ચોરીનો બનાવ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરાના અકોટા વિસ્તારમાં રહેતા નિવૃત્ત વૃદ્ધ પોતાના પત્ની સાથે દીકરા પાસે બેંગ્લોર ગયા હતા ત્યારે તેમના બંધ મકાનને અજાણ્યા ચોરોએ નિશાન બનાવ્યું હતું. ચોરોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં રાખેલી તિજોરીના લોકરનું તાળું તોડી અંદર રહેલા સોનાના દાગીના, ચાંદીની લગડી અને રોકડ રકમ મળી કુલ રૂ.૧.૮૦ લાખની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ પડોશીએ ઘરનો દરવાજો ખુલ્લો હોવાનું ધ્યાનમાં આવતા કરી હતી, જેના આધારે સમગ્ર ચોરીનો ભાંડો ફૂટ્યો હતો.

મળતી માહિતી મુજબ અકોટાના માધવબાગ નજીક કૃષ્ણ શાંતિ સોસાયટીમાં રહેતા ૬૭ વર્ષીય મહેશભાઈ રમેશચંદ્ર પંડ્યાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ અને તેમની પત્ની ૨૯ મેના રોજ બેંગ્લોર ખાતે રહેતા પુત્ર દેવલ પાસે ગયા હતા.
૧.૮૦ લાખની માલમત્તા ગાયબ હોવાનું સામે આવ્યું
દરમિયાન ઘરના ફૂલછોડની સંભાળ માટે એક પરિચિત મહિલાને જવાબદારી સોંપવામાં આવી હતી. ૧૨ જૂનની સાંજે તેઓ ફૂલછોડને પાણી આપી ગયા બાદ બીજા દિવસે સવારે પડોશી શીખાબેન શાહે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો અને તાળું તૂટેલું હોવાનું જોઈ મહેશભાઈની પત્નીને જાણ કરી હતી.
ત્યારબાદ પરિવારજનોએ ઘરે પહોંચી તપાસ કરતાં મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો તેમજ ઘરના સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. વધુ તપાસમાં બેડરૂમમાં રહેલી તિજોરીનું લોકર તોડી અંદરથી ૧૫ ગ્રામ વજનની સોનાની ચેઇન, ૫૦૦ ગ્રામ વજનની ચાંદીની લગડી અને રૂ.૧૦ હજાર રોકડ મળી કુલ રૂ.૧.૮૦ લાખની માલમત્તા ગાયબ હોવાનું સામે આવ્યું હતું.