૧૦૦ થી વધુ લોકોએ ૩૨.૯૮ લાખ ગુમાવ્યાની SP ને મળી ફરિયાદ
ઈ – કંપનીના સંચાલકો લાખો રૂપિયા પચાવી થયા રફુચક્કર
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર શહેરમાં ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ કરનારી એક ખાનગી -ઈ કંપનીના સંચાલકો લાખો રૂપિયાનું ચીટીંગ કરીને રફુચક્કર થઈ જતાં તેઓનો શિકાર બનેલા જામનગરના ૧૦૩ લોકોએ સહીઓ કરીને રૂ.૩૨.૯૮ લાખ ગુમાવ્યાની એસપીને લેખિત ફરિયાદ કરીને ન્યાયની માંગણી કરી છે. જામનગર શહેરના કેટલાક રોકાણકારો સાથે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ કરનારી મ્હીપોબ સ્પાર નામની કંપનીના અધિકારીઓ તરીકે પોતાની ઓળખ આપી ને મોબાઈલ ફોન પર વાતચીત કરતાં હતા. જે શખસો ગ્રાહકોને ઓનલાઈન રોકાણના નામે લોભામણી સ્કીમો આપીને ગ્રાહકોને આકર્ષતા હતાં, અને રોકાણ કરાવતા હોવાનું ભોગ બનેલા ૧૦૩ લોકોએ જણાવ્યું હતું.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ જામનગર શહેરના રહેવાસીઓ છેલ્લા થણા સમયથી ચાલતી ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ કરનારી “મ્હીપોબ સ્પાર નામ” ની ખાનગી કંપનીના જવાબદાર અધિકારીઓ/કર્મચારીઓએ ઓનલાઈન રોકાણ કરનાર લોકોને લોભામણી સ્કીમો આપીને થોડા થોડા સમયના અંતરે રોકાણ મુજબનું વળતર પણ કંપની ગ્રાહકોના બેંક એકાઉન્ટમાં જમા કરાવતી હતી. જે બાદ કંપનીએ અચાનક જ રોકાણનું વળતર ચુકવવાનું બંધ કરી દઈ કંપનીના અધિકારીઓએ ફોન ઉપાડવાનું તેમજ વોટસએપ દ્વારા કરેલાં મેસેજના જવાબ આપવાનું પણ બંધ કરી દીધું છે. જેથી રોકાણકારોને ખ્યાલ આવી ગયો હતો કે, તેઓની સાથે છેતરપીંડી થઈ છે. આવા જામનગર શહેરના ઓનલાઈન રોકાણ કરનારા ૧૦૩ લોકો ભેગા થયા હતા, અને પોતાએ ગુમાવેલી રકમ સાથે લેખિતમાં એસપીને રજુઆત કરી છે.
જેમાં ૧૦૩ લોકોએ રૂ.૩૨,૬૮,૪૪૯ જેટલી રકમ ગુમાવ્યાનું સામે આવ્યું છે. આ ફરિયાદ અરજી પરથી પોલીસે તપાસ હાથ ધરી છે. કંપનીના જવાબદાર અધિકારીઓની તપાસ કરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સુચનાથી જામનગરની સાઇબર ક્રાઇમ સેલની ટીમ હરકતમાં આવી છે, અને ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.