Last Updated on by Sampurna Samachar
ઉત્તર પ્રદેશના બિજનોરમાં ચોરીની અનોખી ઘટના
સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાત કરીએ તો શહેરના કિલાવાળી મસ્જિદ પાસે એક વેપારીની એક લાખ રૂપિયાથી ભરેલી બેગ એક રખડતું શ્વાન ઉપાડીને ફરાર થઈ ગયું હતું. આ આખી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, ત્યાર બાદ આ મામલો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

મળતી જાણકારી અનુસાર વેપારીએ બેંકમાંથી એક લાખ રૂપિયા ઉપાડ્યા હતા. તે કોઈ જરૂરી કામ માટે બજારમાં આવ્યો અને આ દરમિયાન તે કિલ્લાવાળી મસ્જિદમાં નમાજ પઢવા માટે રોકાયો હતો. ઉતાવળમાં તે પોતાની બાઈક પર રાખેલી રૂપિયા ભરેલી કાળા રંગની બેગ છોડીને જ મસ્જિદ અંદર જતો રહ્યો હતો. બેગમાં રોકડ રકમ રાખેલી હતી. આ દરમિયાન ત્યાં અચાનક એક શ્વાન આવ્યું હતું.
શ્વાન સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો
દરમિયાન શ્વાન કાળા રંગના બેગમાં ભોજન કે અન્ય ખાવાની વસ્તુ હોવાનું સમજીને બેગ પોતાના મોંમાં દબાવીને જતું રહ્યું હતું. જ્યારે વેપારી નમાજ પઢીને બહાર આવ્યો તો તેણે જોયું કે, બાઇક પર રાખેલી બેગ ગાયબ છે. પહેલા તો તેણે આસપાસ ઘણી શોધખોળ કરી, પરંતુ કંઈ જાણવા મળ્યું નહીં.
ગભરાયેલા વેપારીએ આસપાસના લોકોની પૂછપરછ કરી, પરંતુ બેગની કોઈ જાણકારી મળી નહીં. ત્યારે બાદ તેણે મસ્જિદ અને આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરાવ્યાં. ફૂટેજ જોયા પછી તમામ લોકો નવાઈમાં પડી ગયા હતા. કેમ કે તેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાતું હતું કે, એક કાળો શ્વાન બાઈક પાસે આવે છે, બેગ ઉઠાવે છે અને ત્યાંથી જતી રહે છે.
ફૂટેજ સામે આવ્યાં પછી ઘટના આખા વિસ્તારમાં વાયુ વેગે ફેલાઈ ગઈ. સ્થાનિક લોકો તેને ખૂબ જ અનોખી અને અવિશ્વસનીય ઘટના ગણાવી રહ્યાં છે.
કેટલાક લોકો તેને બેદરકારીનું પરિણામ હોવાનું કહી રહ્યાં છે, તો કેટલાક લોકો તેને ભાગ્યનો ખેલ કહી રહ્યાં છે. વેપારી અને સ્થાનિક લોકોએ ઘણી જગ્યાએ શોધખોળ કરી, પરંતુ અત્યાર સુધી તેનો કોઈ પતો લાગ્યો નથી. પોલીસને પણ આ ઘટનાની જાણકારી આપવામાં આવી છે અને આસપાસના વિસ્તારમાં બેગની શોધખોળ શરૂ કરી રહી છે.
હાલ આ શ્વાન સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને લોકો આ અજીબ ઘટના પર આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યાં છે. આ સમગ્ર ઘટનાએ એક મેસેજ પણ આપે છે કે, જાહેર જગ્યાએ કોઈ કિંમતી સામાન છોડવાની ભૂલ કરવી મોટી નુકસાનીનું કારણ બની શકે છે.