Last Updated on by Sampurna Samachar
સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી
બાળકોમાં વારસાગત બીમારીઓ થવાનું જાેખમ વધી શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નજીકના લોહીના સંબંધીઓ વચ્ચે થતાં લગ્નને લઈને સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આવા લગ્નથી આવનારી પેઢીના સ્વાસ્થ્ય પર સંભવિત પ્રતિકૂળ અસરો થઈ શકે છે તેમ જણાવતાં કોર્ટે સમાજમાં વૈજ્ઞાનિક જાગૃતિ ફેલાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આ મામલે ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ પણ માગ્યો છે.

બેંગલુરુની પ્રજ્ઞાચક્ષુ કાયદાની વિદ્યાર્થિની ચાર્વી એસ. દ્વારા આ મુદ્દે જનહિત અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેના માતા-પિતા નજીકના લોહીના સંબંધીઓ હોવાથી તેને જન્મજાત આનુવંશિક સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. અરજીમાં આવા લગ્નોથી ઊભા થઈ શકતા સ્વાસ્થ્ય સંબંધિત જાેખમો અંગે જાગૃતિ લાવવાની માંગ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટની આ સુનાવણીથી અનેક મુદ્દા ચર્ચામાં
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે લગ્ન વ્યક્તિની અંગત પસંદગી સાથે જાેડાયેલો વિષય છે. આવા લગ્નો પર કાયદાકીય પ્રતિબંધ મૂકવાનો ર્નિણય અદાલતના બદલે સંસદે લેવાનો છે. જાેકે, લગ્નના ર્નિણય પહેલાં તેની સંભવિત સ્વાસ્થ્ય સંબંધિત અસરો અંગે લોકોને યોગ્ય જાણકારી મળવી જરૂરી છે.
નિષ્ણાતોના મતે નજીકના લોહીના સંબંધીઓમાં લગ્ન થાય ત્યારે બંને માતા-પિતામાં રહેલા સમાન રિસેસિવ જનીન દ્વારા બાળકોમાં કેટલીક વારસાગત બીમારીઓ થવાનું જાેખમ વધી શકે છે. તેમાં અમુક જન્મજાત ખામીઓ અને આનુવંશિક રોગોનો સમાવેશ થઈ શકે છે. જાેકે, દરેક આવા લગ્નથી જન્મતાં બાળકને બીમારી થાય જ એવું નથી.
અરજદારના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં નજીકના સંબંધીઓ વચ્ચે લગ્નનું પ્રમાણ આશરે ૨૮ ટકા સુધી હોવાનું જણાવવામાં આવે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આવા લગ્નોથી ઊભા થતા આનુવંશિક જાેખમો અંગે પૂરતી જાગૃતિનો અભાવ હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ મુદ્દે જાગૃતિ લાવવા માટે જરૂરી પગલાં અંગે વિચારવા જણાવ્યું છે. શાળા-કોલેજના અભ્યાસક્રમમાં આનુવંશિક સ્વાસ્થ્ય સંબંધિત માહિતીનો સમાવેશ કરવા ઉપરાંત આંગણવાડી કાર્યકરો અને ગ્રામ પંચાયતોની મદદથી ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિ ફેલાવવાનું પણ સૂચન કરવામાં આવ્યું હતું.
હાલના કાયદા મુજબ હિન્દુ મેરેજ એક્ટની કલમ ૫ હેઠળ અમુક નિર્ધારિત નજીકના સંબંધોમાં લગ્ન પર પ્રતિબંધ છે, જાેકે માન્ય પરંપરા કે રિવાજના આધારે અપવાદ હોઈ શકે છે. બીજી તરફ મુસ્લિમ પર્સનલ લો હેઠળ કેટલાક નજીકના સંબંધીઓ વચ્ચેના લગ્ન માન્ય છે, જ્યારે નિર્ધારિત પ્રતિબંધિત સંબંધોમાં લગ્નની મંજૂરી નથી.
આમ, સુપ્રીમ કોર્ટની આ સુનાવણીથી નજીકના સંબંધીઓ વચ્ચે થતાં લગ્ન, આનુવંશિક સ્વાસ્થ્ય અને સમાજમાં વૈજ્ઞાનિક જાગૃતિનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. હવે આ મામલે કેન્દ્ર સરકાર શું જવાબ આપે છે અને આગળ કયાં પગલાં સૂચવે છે તેના પર સૌની નજર રહેશે.