Last Updated on by Sampurna Samachar
હૈદરાબાદમાંથી ઝડપાયુ કૌભાંડ
નકલી વરખ બનાવતી ૪ ફેક્ટરીઓનો પર્દાફાશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં અસલી ચાંદીને બદલે સસ્તા એલ્યુમિનિયમમાંથી નકલી ચાંદી જેવું વરખ બનાવતી ચાર ફેક્ટરીઓનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી બાદ મીઠાઈ સહિતના ખાદ્ય પદાર્થોની શુદ્ધતા અને ગ્રાહકોના સ્વાસ્થ્ય સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

હૈદરાબાદના ચારમિનાર અને આસપાસના વિસ્તારોમાં આવેલી ચાર ઉત્પાદન ફેક્ટરીઓ પર કમિશનર ટાસ્ક ફોર્સ અને સ્થાનિક પોલીસે સંયુક્ત રીતે દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન આ એકમોમાં અસલી ચાંદીના બદલે સસ્તા એલ્યુમિનિયમનો ઉપયોગ કરીને ચાંદી જેવું દેખાતું પાતળું વરખ બનાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.
ખાદ્ય સુરક્ષાની વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ફેક્ટરીઓમાં તૈયાર થતું નકલી વરખ કાજુ કતરી, કાજુ રોલ અને મીઠા પાન જેવી ખાદ્ય વસ્તુઓમાં ઉપયોગ માટે સપ્લાય કરવામાં આવતું હતું. ગ્રાહકો મીઠાઈ પર ચમકતું પડ અસલી ચાંદીનું હોવાનું માનીને ખરીદતા હતા, પરંતુ વાસ્તવમાં તેમાં એલ્યુમિનિયમનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો થયો છે.
આ ઉપરાંત એલ્યુમિનિયમ ફ્લેક્સ અને સજાવટ માટેની અન્ય સામગ્રી પણ બનાવવામાં આવતી હતી. એલ્યુમિનિયમનું પડ ચઢાવેલી ખાંડની ગોળીઓ પણ તૈયાર કરવામાં આવતી હતી, જેનો ઉપયોગ બેકરીઓમાં કેક અને અન્ય ખાદ્ય વસ્તુઓની સજાવટ માટે થતો હતો.
પોલીસની તપાસમાં ચારેય ઉત્પાદન એકમો પાસે જરૂરી FSSAI લાઇસન્સ ન હોવાનું પણ સામે આવ્યું છે. ખાદ્ય પદાર્થોમાં ઉપયોગ માટેની સામગ્રીનું ઉત્પાદન યોગ્ય મંજૂરી અને નિયમો વિના કરવામાં આવતું હોવાની બાબતને પોલીસે ગંભીરતાથી લીધી છે.
દરોડા દરમિયાન પોલીસે મોટી માત્રામાં નકલી વરખ અને ઉત્પાદન સામગ્રી જપ્ત કરી છે. જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલમાં ૪૯ બંડલ નકલી ચાંદીના વરખ, એલ્યુમિનિયમ ફ્લેક્સ, આશરે એક કિલો એલ્યુમિનિયમનું પડ ચઢાવેલી ખાંડની ગોળીઓ, ઉત્પાદન મશીનરી અને અન્ય કાચો માલ સામેલ છે.
આ કૌભાંડ સામે આવ્યા બાદ પોલીસ હવે નકલી વરખનું નેટવર્ક કેટલું વિસ્તરેલું છે તેની તપાસ કરી રહી છે. આ વરખ કઈ-કઈ મીઠાઈની દુકાનો, પાનના ગલ્લાઓ અને બેકરીઓ સુધી પહોંચાડવામાં આવતું હતું તેની વિગતો મેળવવામાં આવી રહી છે. આ ગેરકાયદે કારોબારમાં અન્ય વેપારીઓ કે સપ્લાયરોની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
મીઠાઈની ચમક પાછળ છુપાયેલા આ કૌભાંડે ખાદ્ય સુરક્ષાની વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે. તહેવારો અને લગ્નપ્રસંગોમાં મોટા પ્રમાણમાં વેચાતી મીઠાઈઓમાં વપરાતી સામગ્રીની ગુણવત્તા અંગે ગ્રાહકોમાં ચિંતા ફેલાઈ છે.