Last Updated on by Sampurna Samachar
જાવેદ અખ્તરે તાજેતરમાં કરી વાતચીત
ધર્મ, આસ્થા અને નાસ્તિકતાને લઈને વિચારો રજૂ કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પ્રખ્યાત લેખક અને ગીતકાર જાવેદ અખ્તર તેમના સ્પષ્ટ, નિડર અને ખુલ્લો અભિપ્રાય માટે જાણીતા છે. તેઓ એવી બાબતો પર સવાલ ઉઠાવે છે, જેને લોકો વગર વિચારે સાચી માની લેતા હોય છે.

તાજેતરમાં એક વાતચીતમાં તેમણે ધર્મ, આસ્થા અને નાસ્તિકતાને લઈને ખુલીને પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે સ્વીકાર્યું કે મુશ્કેલ સમયમાં ધર્મ અને આસ્થા માનવીને માનસિક સહારો આપી શકે છે, પરંતુ તેમનો સવાલ એ છે કે કોઈ બાબતથી માનસિક શાંતિ મળવી એ વાતનો પુરાવો કઈ રીતે બની શકે કે તે બાબત વાસ્તવમાં સાચી પણ છે.
જુદા-જુદા ધર્મોની માન્યતાઓ અને વિચારો અલગ – અલગ
જાવેદ અખ્તરે જણાવ્યું કે, ‘ઘણા લોકો મુશ્કેલ સમયમાં કોઈ મોટી શક્તિ કે ભગવાન પર એટલા માટે ભરોસો કરે છે કારણ કે તેનાથી તેમને ભાવનાત્મક સહારો મળે છે. તેમને લાગે છે કે કોઈ છે જે તેમની સંભાળ રાખી રહ્યું છે. પરંતુ, માત્ર આ ભરોસાના આધારે કોઈ ધાર્મિક વિશ્વાસને સાચો માની શકાય નહીં. આ એક એવો આધાર છે જે માનવીને માનસિક રાહત તો આપી શકે છે, પરંતુ તે હકીકત હોય તે જરૂરી નથી.
પોતાની વાત સ્પષ્ટ કરવા માટે જાવેદ અખ્તરે દુનિયાના જાણીતા ઉદ્યોગપતિ ઈલોન મસ્કનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, ‘જાે કોઈ વ્યક્તિ પૂરા દિલથી એવું માની લે કે ઈલોન મસ્ક તેનો ભાઈ છે અને આગામી મહિને તેને અબજાે ડૉલર મળવાના છે, તો આ વિચાર તેને ખુશી અને સુરક્ષાનો અહેસાસ કરાવી શકે છે. જાે કોઈ સતત એમ કહ્યા કરે કે પૈસા આવવાના છે, તો તે આ આશાના સહારે ખુશ રહી શકે છે. પરંતુ તેનાથી એ સાબિત નથી થઈ જતું કે ખરેખર ઈલોન મસ્ક તેનો ભાઈ છે કે તેને પૈસા મળવાના છે.
જાવેદ અખ્તરે એવો સવાલ પણ ઉઠાવ્યો કે શું ધર્મ વાસ્તવમાં મોટાભાગના લોકોની પોતાની પસંદગીની ચીજ છે? તેમણે કહ્યું કે, ‘દુનિયામાં મોટાભાગના લોકો તે જ ધર્મને માનતા મોટા થાય છે જેમાં તેમનો જન્મ થયો હોય છે. આશરે ૯૯ ટકા લોકો તે જ ધર્મમાં મૃત્યુ પામે છે જેમાં તેઓ જન્મ્યા હતા. એવી સ્થિતિમાં એ વિચારવું જરૂરી છે કે આપણી ધાર્મિક માન્યતાઓ આપણે જાતે તર્ક અને વિચાર-વિમર્શથી બનાવી છે કે પછી તે આપણને બાળપણથી જ મળી છે.
જાવેદ અખ્તરે જણાવ્યું કે, ‘કોઈ વ્યક્તિની વાતને માત્ર એટલા માટે સાચી ન માની લેવી જાેઈએ કારણ કે આપણે તે વ્યક્તિ પર ભરોસો કરીએ છીએ. તેમના મતે, સમય સાથે વ્યક્તિ પોતાના અભિપ્રાય બદલી શકે છે. એટલા માટે કોઈ વ્યક્તિના બદલે તેના વિચારોને પારખવા જાેઈએ.
કોણ કહી રહ્યું છે, તેના કરતા એ વધારે મહત્ત્વનું છે કે તે જે કહી રહ્યો છે તેમાં કેટલો દમ છે. દુનિયાના તમામ ધર્મોને માત્ર એટલા માટે એક સરખા ન કહી શકાય કે બધા ધર્મો માનવીને સારા બનવાની વાત કરે છે; જુદા-જુદા ધર્મોની માન્યતાઓ અને વિચારો એકબીજાથી અલગ હોય છે.‘