Last Updated on by Sampurna Samachar
અજાણ્યો વ્યક્તિ બાળકી સાથે કેમેરામાં જોવા મળ્યો
રેલવે સ્ટેશન નજીક રહેતો હતો પરિવાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
આણંદ જિલ્લાના વાસદમાં સાડા ચાર વર્ષની બાળકીના અપહરણ બાદ તેનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, બાળકીનો મૃતદેહ ટ્રેન નીચે કપાયેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, વાસદ રેલવે સ્ટેશન નજીક રહેતા એક પરિવારની સાડા ચાર વર્ષની બાળકીનું મંગળવારે રાત્રે આશરે ૮:૩૦થી ૯:૧૫ વાગ્યાના સમયગાળા દરમિયાન અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, અંદાજે ૨૫થી ૩૦ વર્ષનો એક યુવક બાળકીને પોતાની સાથે લઈ જતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. અપહરણ બાદ યુવક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
મૃતદેહ ટ્રેનની અડફેટે આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં આવ્યું
વહેલી સવારે વાસદ અને અડાસ રેલવે સ્ટેશન વચ્ચેના ટ્રેક પરથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ ટ્રેનની અડફેટે આવ્યો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે, પરંતુ સમગ્ર ઘટનાની હકીકત જાણવા માટે પોલીસે તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે.
ઘટનાની જાણ થતાં જ વડોદરા રેલવે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. એલસીબી, એસઓજી સહિત પાંચથી વધુ ટીમોને આરોપીની શોધખોળ માટે તૈનાત કરવામાં આવી. આણંદ પોલીસની એસઓજી અને એલસીબીની ટીમો તેમજ વાસદ પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ અને તેની હિલચાલ અંગે માહિતી એકત્ર કરી રહી છે.
પોલીસનું કહેવું છે કે બાળકીનું અપહરણ કર્યા બાદ તેની સાથે અન્ય કોઈ ગુનો આચરવામાં આવ્યો હતો કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે. મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે, જેના આધારે મોતનું ચોક્કસ કારણ અને અન્ય મહત્વપૂર્ણ વિગતો સામે આવી શકશે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રેલવે પ્લેટફોર્મ પર બે બાળકીઓ સૂઈ રહી હતી. તે દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ ત્યાં આવ્યો અને સાડા ચાર વર્ષની બાળકીનું અપહરણ કરીને લઈ ગયો. ત્યારબાદ બીજા દિવસે સવારે પ્લેટફોર્મના અંત નજીક ટ્રેક પરથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.
હાલ સમગ્ર મામલે અપહરણ, મોત અને તેના પાછળના કારણો અંગે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો સતત કાર્યવાહી કરી રહી છે. મૃતક બાળકી સાથે અન્ય કોઈ ગંભીર ઘટના બની હતી કે નહીં તે અંગેનો ખુલાસો પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ પૂર્ણ થયા બાદ જ થઈ શકશે.