Last Updated on by Sampurna Samachar
પોલીસે બે દંપતી સહિત કુલ સાત આરોપીઓને ઝડપ્યા
જામનગરના ગોકુલનગરમાં વિસ્તારની ઘટના
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં ગાળો બોલવાની શંકાને લઈને થયેલા ઝઘડાએ હત્યાનું રૂપ ધારણ કર્યું હતું. ત્રણ જેઠવા બંધુઓ પર છરી અને તલવાર ધોકા વડે મારામારીથી હુમલો કરવામાં આવતાં પ્રદીપસિંહ જશાજી જેઠવાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવમાં પોલીસે બે દંપતી સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ ગોકુલનગર શેરી નં. ૧૧, ગિરિરાજ પાન પાસે રહેતા બાબુ ઉર્ફે રણજીતસિંહ જશાજી જેઠવા ગત તા. ૧૭ જુલાઈની રાત્રે પોતાના વિસ્તારમાં હતા ત્યારે કેટલાક લોકો અંદરોઅંદર અપશબ્દો બોલી રહ્યા હતા. તે દરમિયાન વિસ્તારમાં રહેતા સોનુબા ગુમાનસિંહ જાડેજાને શંકા ગઈ હતી કે જેઠવા ભાઈઓ તેમના આંગણે ગાળો બોલી રહ્યા છે.
આરોપીઓના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરાઇ
આ શંકાને લઈને સોનુબા ગુમાનસિંહ જાડેજા, ગુમાનસિંહ જાડેજા, પ્રદીપસિંહ ગુમાનસિંહ જાડેજા, જયલો રાઠોડ, દિવ્યરાજસિંહ વાઘેલા, જોષનાબા તથા તેમના પતિ સહિતના લોકો જેઠવા પરિવારના ઘરે પહોંચી ઝઘડો કરવા લાગ્યા હતા. બોલાચાલી ઉગ્ર બનતાં ગુમાનસિંહ જાડેજાએ પોતાની પાસે રહેલી છરી વડે પ્રદીપસિંહ જશાજી જેઠવા પર જીવલેણ હુમલો કર્યો હતો. દરમિયાન બાબુ ઉર્ફે રણજીતસિંહ અને તેમના અન્ય ભાઈ મયુરસિંહને પણ માર મારવામાં આવ્યો હતો.
ગંભીર રીતે ઘાયલ પ્રદીપસિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજતાં સમગ્ર બનાવ હત્યામાં પલ્ટાયો હતો. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી બે દંપતી સહિત સાતેય આરોપીઓની ધરપકડ કરી છે. હાલમાં આરોપીઓના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.