Last Updated on by Sampurna Samachar
છ વર્ષ માટે પક્ષ અને પરિવારમાંથી હાંકલપટ્ટી કરી
અનુષ્કા સાથે ૧૨ વર્ષથી પ્રેમસંબંધમાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
લાલુ યાદવ પરિવારના આંતરિક વિખવાદો હાલ વિવાદમાં છે. લાલુ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપની અનુષ્કા યાદવ સાથેની વાઈરલ તસવીરો તેમજ બંને પ્રેમ સંબંધમાં હોવાનો ખુલાસો થયા બાદ RJD પ્રમુખ લાલુ યાદવે તેજપ્રતાપ છ વર્ષ માટે પક્ષ અને પરિવારમાંથી હાંકલપટ્ટી કરી છે. પિતાના આ એક્શન પર તેજપ્રતાપનું પ્રથમ રિએક્શન આવ્યું છે. તેમણે પોતાના માતા-પિતાને ભગવાનથી પણ અધિક ગણાવી તેમની આ પ્રતિક્રિયાનો સ્વીકાર કર્યો છે.
તેજપ્રતાપ યાદવે હાલમાં જ સોશિયલ મીડિયા પર અનુષ્કા યાદવ સંગ એક તસવીર પોસ્ટ કરી દાવો કર્યો હતો કે, તે અનુષ્કા સાથે ૧૨ વર્ષથી પ્રેમસંબંધમાં છે. જોકે, બાદમાં તસવીર ડિલિટ કરી તેમનું એકાઉન્ટ હૅક થયુ હોવાનું જણાવ્યું હતું.
મમ્મી-પપ્પા તમે બંને હંમેશા સ્વસ્થ અને ખુશ રહેજો
લાલુ યાદવ દ્વારા પક્ષ અને પરિવારમાંથી હાંકલપટ્ટી બાદ તેજપ્રતાપે (TEJPRATAP) સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી ભાવુક મેસેજ લખ્યો હતો કે, મારા પ્રેમાળ માતા-પિતા…મારી આખી દુનિયા તમારા બંનેમાં જ છે. તમે અને તમારા દ્વારા આપવામાં આવેલો આદેશ ભગવાનથી પણ અધિક છે. તમે મારા માટે બધુ જ છો. મને માત્ર તમારો વિશ્વાસ અને પ્રેમ જોઈએ, બીજુ કાંઈ નહીં.
વધુમાં લખ્યું હતું કે, પિતા તમે ન હોત તો આ પાર્ટી ન હોત અને મારી સાથે રાજકારણ રમનારા અમુક જયચંદ જેવા લાલચુ લોકો પણ ન હોત. બસ, મમ્મી-પપ્પા તમે બંને હંમેશા સ્વસ્થ અને ખુશ રહેજો ! તેજપ્રતાપે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી માતા-પિતા પ્રત્યે પ્રેમ દર્શાવવાની સાથે જયચંદનો ઉલ્લેખ કર્યો હતો. તેના મારફત લાલુ યાદવને કોઈ સંદેશ આપવા માંગી રહ્યા છે કે શું તે ચર્ચાનો વિષય બન્યો છે.
તેજપ્રતાપે અન્ય એક પોસ્ટમાં પોતાના ભાઈ તેજસ્વી યાદવની તુલના અર્જુન સાથે કરી હતી. તેમજ ભાઈને પણ જયચંદથી સતર્ક રહેવા સંદેશ આપ્યો હતો. ઠ પર તેમણે લખ્યું કે, મારા અર્જુનથી મને અલગ કરનારાઓના સપના તો જુઓ… તમે ક્યારેય સફળ નહીં થાઓ. કૃષ્ણની સેના તો લઈ શકો છો. પરંતુ સ્વંય કૃષ્ણને નહીં. દરેક ષડયંત્રનો ઝડપથી જ પર્દાફાશ કરીશ.
બસ, મારા ભાઈ વિશ્વાસ રાખજે, હું દરેક પરિસ્થિતિમાં તારી સાથે છું. હાલ દૂર છું, પરંતુ મારા આશીર્વાદ હંમેશા તારી સાથે જ રહેશે. મારા ભાઈ, મમ્મી-પપ્પાનું ધ્યાન રાખજે… જયચંદ દરેક જગ્યાએ છે. અંદર પણ અને બહાર પણ. તેજપ્રતાપ પહેલાંથી જ પરિણીત છે. ૨૦૧૮માં તેમણે એશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા હતાં.
જોકે, તેમના લગ્ન લાંબો સમય ટકી શક્યા ન હતાં. એશ્વર્યા રાયે તેજપ્રતાપ પર ઘરેલુ હિંસાનો આરોપ મૂક્યો હતો. બંને વચ્ચે છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. એવામાં અનુષ્કા સાથે તેજપ્રતાપની તસવીર વાઈરલ થતાં વિવાદ સર્જાયો છે. લાલુ યાદવે દિકરા દ્વારા પ્રેમ સંબંધનો ખુલાસો જાણતાં જ તે દિકરાને પાર્ટી અને પરિવારમાંથી કાઢી મૂક્યા હતાં.