Last Updated on by Sampurna Samachar
ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉગ્ર
રાહુલ ગાંધી અને કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે બેઠક
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેરળ ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન અને તમિલનાડુમાં ગઠબંધન સરકાર બનાવ્યા બાદ કોંગ્રેસ હાઇકમાનનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે. હવે પાર્ટી નેતૃત્વની નજર કર્ણાટકના આંતરિક રાજકારણ પર ટકેલી છે. આ દરમિયાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને અચાનક દિલ્હી બોલાવવામાં આવતા કર્ણાટકમાં સત્તા પરિવર્તનની ચર્ચાઓ ખૂબ જ તેજ બની ગઈ છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી અને કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે થનારી આ બેઠકમાં લાંબા સમયથી ચર્ચામાં રહેલા ‘પાવર શેરિંગ ફોર્મ્યુલા‘ પર કોઈ મોટો ર્નિણય લેવાઈ શકે છે. ખરેખર, કર્ણાટકમાં કોંગ્રેસ સરકારના ત્રણ વર્ષ પૂરા થતાં જ ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારના સમર્થકોએ તેમને મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉગ્ર કરી દીધી છે.
દિલ્હીની આ બેઠક પર સમગ્ર કર્ણાટકની નજર
આવી સ્થિતિમાં હવે એ સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું કોંગ્રેસ હાઇકમાન કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનનો રસ્તો સાફ કરવા જઈ રહ્યું છે? સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં યોજાનારી આ મહત્ત્વની બેઠકમાં કર્ણાટક સરકાર સાથે જોડાયેલા ઘણા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા થશે, જેમાં કેબિનેટમાં સંભવિત ફેરબદલ અને સિદ્ધારમૈયા તેમજ શિવકુમાર જૂથ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ મુખ્ય છે. સીએમ સિદ્ધારમૈયાએ પહેલા કહ્યું હતું કે જ્યારે હાઇકમાન બોલાવશે ત્યારે જ તેઓ દિલ્હી જશે, અને હવે તેમના આ અચાનક દિલ્હી પ્રવાસે રાજકીય ગરમાવો વધારી દીધો છે.
બીજી તરફ, ડીકે શિવકુમારે તાજેતરમાં જ નિવેદન આપ્યું હતું કે તેઓ અને સિદ્ધારમૈયા બંને કોંગ્રેસ હાઇકમાનના ર્નિણયનું પાલન કરશે. આમ છતાં, તેમના સમર્થકોની ગતિવિધિઓએ રાજ્યના રાજકારણમાં ભારે હલચલ મચાવી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી શિવકુમારના સમર્થકો જાહેરમાં તેમને ‘આગામી મુખ્યમંત્રી‘ તરીકે ગણાવી રહ્યા છે. મૈસૂરમાં તેમના જન્મદિવસની ઉજવણી દરમિયાન લખેલી કેક કાપીને સ્પષ્ટ રાજકીય સંદેશ આપવામાં આવ્યો હતો.
આ સિવાય બેંગલુરુ, બેલગાવી અને કર્ણાટકના અન્ય ઘણા વિસ્તારોમાં શિવકુમારના સમર્થનમાં મોટા-મોટા પોસ્ટરો અને કટઆઉટ્સ લગાવવામાં આવ્યા છે, જેમાં ‘નેક્સ્ટ સીએમ ડીકેએસ‘ જેવા નારા લખવામાં આવ્યા છે.
જોકે કોંગ્રેસ પાર્ટીએ આ બધી બાબતોને સમર્થકોની લાગણી ગણાવીને શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આનાથી એ જૂની સત્તા-ભાગીદારી ફોર્મ્યુલાની ચર્ચા ફરી જીવંત થઈ ગઈ છે, જે ૨૦૨૩માં કોંગ્રેસની સત્તામાં વાપસી વખતે ચર્ચામાં આવી હતી.
એવું કહેવાય છે કે સરકારની રચના સમયે સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે મુખ્યમંત્રી પદની મુદત વહેંચવા અંગે આંતરિક સમજૂતી થઈ હતી. જોકે, પાર્ટીએ ક્યારેય સત્તાવાર રીતે ‘અઢી-અઢી વર્ષ‘ના કોઈ ફોર્મ્યુલાની પુષ્ટિ કરી નથી. હવે જ્યારે સરકારે સફળતાપૂર્વક ત્રણ વર્ષ પૂર્ણ કરી લીધા છે, ત્યારે શિવકુમાર જૂથ સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયું છે. હાલમાં કોંગ્રેસ નેતૃત્વ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ દિલ્હીની આ બેઠક પર સમગ્ર કર્ણાટકની નજર મંડાયેલી છે.