હવે ભારતની સરહદો વધુ મજબૂત અને સુરક્ષિત બનશે

Share this Article:

Last Updated on by Sampurna Samachar

જુઓ ભારતનો ૪૫,૦૦૦ કરોડનો મેગા પ્લાન

આગામી ૧૮ થી ૨૪ મહિનામાં ખર્ચાશે મોટી રકમ

(સંપૂર્ણ સમાચાર સેવા)

ભારત પોતાની સરહદોને એવા મજબૂત સુરક્ષા કવચથી સજ્જ કરવા જઈ રહ્યું છે, જેના કારણે માત્ર સરહદી વિસ્તારોમાં રહેતા સામાન્ય લોકોનું જીવન તો બદલાશે જ, પરંતુ ભારતીય સેના પણ ખૂબ જ સરળતાથી અને ઓછા સમયમાં ટેન્ક અને તોપોને સરહદ પર તહેનાત કરી શકશે. બ્લૂમબર્ગના એક અહેવાલ અનુસાર, ભારત ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશને અડીને આવેલા અત્યંત સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં પોતાનું રેલવે નેટવર્ક વધુ મજબૂત બનાવશે. તેના માટે ૪૫,૦૦૦ કરોડ (૫ અબજ ડોલર) જેટલી મોટી રકમ ખર્ચવામાં આવશે.

સરહદી વિસ્તારોમાં રેલવે નેટવર્ક મજબૂત બનાવવા માટે આગામી ૧૮ થી ૨૪ મહિનામાં આ મોટી રકમ ખર્ચવામાં આવશે. પંજાબ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આસામ અને પૂર્વોત્તરના અન્ય રાજ્યોમાં નવી રેલવે લાઇનો બિછાવવામાં આવશે, પ્લેટફોર્મને આધુનિક બનાવવામાં આવશે અને સમગ્ર નેટવર્કને બેવડા ઉપયોગ માટે યોગ્ય બનાવવામાં આવશે.

આ યોજનાથી પાડોશી દેશોને મળશે પડકારજનક જવાબ

નામ જાહેર ન કરવાની શરતે સૂત્રોએ જણાવ્યું કે, સરહદી રાજ્યો માટે પ્રસ્તાવિત ૫ અબજ ડોલરની આ યોજના આગામી બે વર્ષમાં રેલવે માટે નક્કી કરાયેલા કુલ માળખાગત ખર્ચના લગભગ ૨૨% જેટલી છે. તેનાથી આ યોજનાના મહત્ત્વનો અંદાજ લગાવી શકાય છે.

આ વ્યૂહાત્મક યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને ‘ડ્યુઅલ-યૂઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર’  એટલે કે બેવડા ઉપયોગ માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેના કારણે હિમાલયના દુર્ગમ વિસ્તારો, લદ્દાખ, સિલીગુડી કોરિડોર અને પૂર્વોત્તરમાં કોઈપણ પ્રકારના તણાવની સ્થિતિ સર્જાય ત્યારે સેનાને ભારે હથિયારો, રાશન અને સૈનિકોને પહોંચાડવામાં લાગતો સમય અડધો થઈ જશે. ઉપરાંત, દૂરના સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને દરેક ઋતુમાં અવરજવર માટે સારી સુવિધા મળશે. તેનાથી વેપાર, રોજગાર અને પર્યટનને પણ પ્રોત્સાહન મળશે.

ભારતના ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેના સંબંધો હાલમાં અત્યંત સંવેદનશીલ તબક્કામાં છે. ચીન સાથે એલએસી પર હાલમાં તણાવ ન હોવા છતાં તેની ચાલબાજીઓ યથાવત છે. પાકિસ્તાન સાથે સરહદ પર તણાવ તો સતત રહે છે. હવે ૨૦૨૪ પછી બાંગ્લાદેશની રાજકીય પરિસ્થિતિએ પણ પૂર્વીય સરહદ પર નવા પડકારો ઉભા કર્યા છે. આવી સ્થિતિમાં ભારત પોતાની સૈન્ય ચોકીઓ સુધી દરેક ઋતુમાં કાર્યરત રહી શકે એવું મજબૂત રેલવે નેટવર્ક ઉભું કરીને પડોશી દેશોને કડક સંદેશ આપવા માગે છે.

ચીને વર્ષ ૨૦૧૭ના ડોકલામ વિવાદ પછીથી તિબેટ અને ભારતીય સરહદોની નજીક ઝડપથી એરપોર્ટ, હેલિપેડ અને રેલવે લાઇનો વિકસાવી છે. તેના કારણે તેની પીપલ્સ લિબરેશન આર્મીને ઝડપથી અવરજવર કરવામાં સરળતા મળી છે. ભારતની આ ૪૫,૦૦૦ કરોડની યોજના સીધી રીતે ચીનની આ જ પડકારજનક તૈયારીઓનો જવાબ આપવા માટેની તૈયારી છે. ભારત કાશ્મીરમાં દુનિયાનો સૌથી ઊંચો રેલવે પુલ પહેલેથી જ બનાવી ચૂક્યું છે.

પૂર્વોત્તર વિસ્તારમાં છેલ્લા એક દાયકામાં સરકારે લગભગ ૧,૭૦૦ કિલોમીટર નવી રેલવે લાઇનો બિછાવી છે. ભારતે પોતાના પૂર્વોત્તર વિસ્તારોમાં હવાઈ માળખાને પણ ફરી કાર્યરત બનાવ્યું છે. તેમાં કેટલીક એવી એરસાઇડ સુવિધાઓનો સમાવેશ થાય છે, જે ૧૯૬૨થી નિષ્ક્રિય હતી અને હવે હેલિકોપ્ટર તેમજ સૈન્ય વિમાનોના ઉપયોગ માટે તૈયાર કરવામાં આવી રહી છે. હવે આ નવી મેગા યોજનાથી ભારતની સરહદો વધુ મજબૂત અને સુરક્ષિત બનવાની છે

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.