Last Updated on by Sampurna Samachar
નાણા મંત્રાલય દ્વારા નાણાકીય સમીક્ષા ચાલુ
અગાઉથી જાણી શકાશે ગંભીર પરિસ્થિતિનુ અનુમાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત સરકાર દેશના હવામાન આગાહી તંત્રને સંપૂર્ણપણે હાઇટેક અને આધુનિક બનાવવા માટે રૂ.૧૦,૦૦૦ કરોડના જંગી રોકાણની યોજના બનાવી રહી છે. અહેવાલ મુજબ, આ પગલાથી હાલમાં કાર્યરત મિશન મૌસમ યોજનાનો મોટા પાયે વિસ્તાર થશે.

આ પ્રસ્તાવ હેઠળ નવા અત્યાધુનિક વેધર રડાર, સેટેલાઇટ્સ અને ખાસ પ્રશિક્ષિત મેનપાવર તૈનાત કરવા માટે મોટું ફંડ ફાળવવામાં આવશે. દેશમાં અનિશ્ચિત હવામાન પેટર્ન અને કુદરતી આફતોને કારણે વધી રહેલા સામાજિક તેમજ આર્થિક નુકસાનને ધ્યાનમાં રાખીને આ મહત્ત્વપૂર્ણ ર્નિણય લેવાઈ રહ્યો છે.
૨,૦૦૦ કરોડના ખર્ચ સાથે મિશન મંજૂરી
હાલ નાણાં મંત્રાલય દ્વારા આ પ્રસ્તાવની નાણાકીય સમીક્ષા કરવામાં આવી રહી છે. આ દરખાસ્તનો મુખ્ય ઉદ્દેશ્ય એવું ઇકોસિસ્ટમ તૈયાર કરવાનો છે જે હવામાન આગાહીના મોડલ્સને વધુ મજબૂત બનાવે અને દેશભરમાં એક સચોટ અર્લી-વોર્નિંગ સિસ્ટમ સ્થાપિત કરે. આનાથી વહીવટી તંત્ર અને સામાન્ય નાગરિકો વાવાઝોડું, પૂર કે હીટવેવ જેવી અત્યંત ગંભીર હવામાન પરિસ્થિતિઓનું અગાઉથી ચોક્કસ અનુમાન લગાવી શકશે અને તેના નુકસાનને ઘટાડી શકશે.
ઉલ્લેખનીય છે કે એવિએશન, લેન્ડ લોજિસ્ટિક્સ, વીમા ક્ષેત્ર અને ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રો પોતાના બિઝનેસ મોડલ માટે હવામાનની સચોટ આગાહીઓ પર મોટા પાયે ર્નિભર છે. જાન્યુઆરી ૨૦૨૫માં દેશને આકરી હવામાન આપત્તિઓ સામે સજ્જ કરવા માટે મિશન મૌસમ શરૂ કરાયું હતું. લોન્ચ થયા બાદથી અત્યાર સુધી સરકારે આ મિશન પાછળ ૧,૩૪૬ કરોડનો ખર્ચ કર્યો છે, જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે વધુ ?૧,૩૪૨ કરોડ ફાળવવામાં આવ્યા છે. અચાનક થતો ભારે વરસાદ અને અતિશય ગરમીને લીધે સામાન્ય જનજીવન તેમજ આર્થિક ગતિવિધિઓ ખોરવાઈ રહી હોવાથી નિષ્ણાતો હવામાન આગાહી તંત્રના તાત્કાલિક આધુનિકીકરણ પર ભાર મૂકી રહ્યા છે.
પુણે સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટીયરોલોજીના પૂર્વ ડિરેક્ટર બી.એન. ગોસ્વામીએ જણાવ્યું કે આગાહીની ચોકસાઈ વધારવા માટે ઓબ્ઝર્વેશન નેટવર્કને વધુ ઘન બનાવવું, કમ્પ્યુટિંગ પાવરમાં સુધારો કરવો અને હાઇ-રિઝોલ્યુશન મોડલ્સ અપનાવવા અનિવાર્ય છે.
તેમણે કહ્યું: “વધારાના રડાર્સ અને વેધર સ્ટેશન્સ ઓબ્ઝર્વેશન ક્ષમતામાં સુધારો કરી શકે છે, જ્યારે બહેતર કમ્પ્યુટિંગ મોડલ્સ હવામાનની વધુ ચોક્કસ અને સચોટ આગાહી કરવામાં મદદ કરશે.”
ભારતને વેધર-રેડી અને ક્લાઇમેટ-સ્માર્ટ બનાવવાના સંકલ્પ સાથે મિશન મૌસમની શરૂઆત કરવામાં આવી હતી. તેનો હેતુ ઓબ્ઝર્વેશન, મોડેલિંગ અને ફોરકાસ્ટિંગ નેટવર્કને ઉત્કૃષ્ટ બનાવવાનો છે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા પ્રારંભમાં ૨૦૨૪-૨૬ના સમયગાળા માટે રૂ.૨,૦૦૦ કરોડના ખર્ચ સાથે આ મિશનને મંજૂરી આપવામાં આવી હતી.
આ મિશન ચોમાસાના સંશોધન, ક્લાઇમેટ ચેન્જ, ગંભીર હવામાન પરિસ્થિતિઓ, હાઇડ્રોમીટીયરોલોજી અને હવાની ગુણવત્તા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને તમામ સ્તરે સેવાઓ સુધારવા માટે કાર્યરત છે.