Last Updated on by Sampurna Samachar
પોલીસકર્મીઓ સાથે પણ મારામારી કરી
નશાનો એદી હતો દિકરો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પટનામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ખાજેકલાં પોલીસ સ્ટેશન વિસ્તારના દીવાન ગલીમાં એક પુત્ર પર પોતાની ૬૦ વર્ષીય માતાને જીવતી સળગાવીને મારી નાખવાનો આરોપ લાગ્યો છે.

મળતી માહિતી પ્રમાણે આરોપી ચિન્ટુ કુમાર નશાની હાલતમાં હતો. પોલીસ જ્યારે તેની ધરપકડ કરવા પહોંચી ત્યારે તેણે પોલીસકર્મીઓ સાથે પણ મારામારી કરી હતી. ધરપકડ બાદ આરોપી પોતાને ભગવાન કહેવા લાગ્યો હતો.
સમગ્ર ઘટનાની તપાસ ચાલુ
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક મહિલાની ઓળખ ૬૦ વર્ષીય મંજુ દેવી તરીકે થઈ છે. તે ખાજેકલાં પોલીસ સ્ટેશન વિસ્તારના દીવાન ગલીમાં રહેતી હતી. તેનો પુત્ર ચિન્ટુ કુમાર ઓટો રિક્ષા ચલાવે છે અને કથિત રીતે નશાનો આદી છે.
આરોપ છે કે નશાની હાલતમાં તેણે પોતાની માતાને ઘરની અંદર જીવતી સળગાવી દીધી. ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં મહિલાનું મોત થઈ ગયું હતું.
આ પછી પોલીસની ટીમે આરોપી ચિન્ટુને પકડવાનો પ્રયાસ કર્યો હતો. આરોપ છે કે તેણે પોલીસકર્મીઓ સાથે પણ મારામારી શરૂ કરી દીધી હતી. પોલીસે કોઈક રીતે તેને કાબૂમાં લીધો અને તેની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ પણ આરોપીની હરકતો સામાન્ય નહોતી. તે પોલીસની સામે પોતાને ભગવાન કહેવા લાગ્યો હતો. તે કથિત રીતે કહી રહ્યો હતો કે આ કળિયુગ છે અને તેણે જ પોતાની માતાને મારી છે.
પોલીસે મંજુ દેવીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પટનાની હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે અને હત્યા પાછળનું કારણ સહિત સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ઘટના સમયે આરોપીએ કયા પ્રકારના નશાનું સેવન કર્યું હતું.