Last Updated on by Sampurna Samachar
મમતાના ભત્રીજાની સંપત્તિઓ પર ફરી શકે છે બુલડોઝર
લિસ્ટ સાથે અલ્ટિમેટમ અપાતા રાજકારણ ગરમાયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
લોકસભા સાંસદ અને પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજીની મિલકતો સામે મોટી કાર્યવાહી થવાના સંકેત છે. કોલકાતા નગર નિગમ દ્વારા તેમની એક ડઝનથી વધુ મિલકતોના સંદર્ભમાં નોટિસ ફટકારવામાં આવી હોવાના અહેવાલ છે. આ નોટિસ દ્વારા તેમને તમામ જરૂરી દસ્તાવેજો રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. જોકે આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. તાજેતરમાં જ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પણ સરકારી અધિકારીઓને તૃણમૂલ કોંગ્રેસના નેતાઓની મિલકતોની વિગતો એકઠી કરવાના નિર્દેશ આપ્યા હોવાનું જણાવ્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ મુજબ KMC એ અભિષેક બેનરજીની ૧૭ જેટલી મિલકતોના ગેરકાયદે બાંધકામ અંગે નોટિસ મોકલી છે. આ નોટિસમાં ઇમારતોના સ્કેચ (નકશા), લિફ્ટ અને એસ્કેલેટર્સ સંબંધિત તમામ મહત્ત્વપૂર્ણ જાણકારીઓ માંગવામાં આવી છે.
તમામ ૧૭ પ્રોપર્ટીઝને નોટિસ ફટકારી
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટીએમસી નેતા પાસે આ નોટિસને પડકારવાના વિકલ્પો પણ ઉપલબ્ધ છે. પરંતુ, તેમણે એ સ્પષ્ટ કરવું પડશે કે આ ગેરકાયદે બાંધકામો શા માટે તોડી પાડવામાં ન આવે.
રિપોર્ટ અનુસાર, આ નોટિસમાં કોલકાતા નગર નિગમ અધિનિયમ, ૧૯૮૦ની કલમ ૪૦૦(૧) હેઠળ કડક આદેશ આપવામાં આવ્યો છે. નોટિસમાં લખ્યું છે કે, તમારી આ ઇમારતનો જેટલો ભાગ પરવાનગી વિના અથવા નિયમોની વિરુદ્ધ જઈને બનાવવામાં આવ્યો છે, તેને ૭ દિવસની અંદર તોડી પાડવામાં આવે. આ પ્રકારની નોટિસો અભિષેક બેનરજી સાથે જોડાયેલી તમામ ૧૭ પ્રોપર્ટીઝને મોકલવામાં આવી છે.
KMC ના સૂત્રોના જણાવ્યા અનુસાર, કલમ ૪૦૦(૧) હેઠળ મકાનમાલિકોને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવે છે. જો કોઈ બાંધકામ ગેરકાયદે સાબિત થાય તો પણ માલિક અધિકારીઓ સમક્ષ હાજર થઈને પોતાની દલીલો રજૂ કરી શકે છે. આ પ્રકારના મામલાની સુનાવણી કોલકાતા નગર નિગમના મુખ્ય મથકે થાય છે, જ્યાં સ્પેશિયલ ઓફિસર બંને પક્ષોની વાત સાંભળે છે.
KMC ની સુનાવણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્પેશિયલ ઓફિસર પાસે આ મામલે ર્નિણય લેવા માટે મુખ્યત્વે બે કાનૂની રસ્તાઓ હોય છે. જેમાં પ્રથમ વિકલ્પ હેઠળ તેઓ પરવાનગી વગર નિયમોની વિરુદ્ધ જઈને ઊભું કરવામાં આવેલું ગેરકાયદે બાંધકામ તાત્કાલિક તોડી પાડવાનો આદેશ આપી શકે છે, અથવા તો બીજા વિકલ્પ તરીકે તેઓ તે ગેરકાયદે બાંધકામ પર ભારે મોટો દંડ ફટકારીને તેને નિયમો અનુસાર કાનૂની રીતે માન્ય પણ રાખી શકે છે.