સુરત પાલિકાનુ મૃત પાલતુ શ્વાનના નિકાલ માટે મહત્વનુ પગલું

Share this Article:

Last Updated on by Sampurna Samachar

પેટ ક્રિમેટોરિયમ ધરાવતું ગુજરાતનું બીજું મહાનગર બનશે

ગેસ આધારિત પેટ ડોગ ક્રિમેટોરિયમ

(સંપૂર્ણ સમાચાર સેવા)

સુરત મહાનગર પાલિકાએ શહેરમાં મૃત રખડતા અને પાલતુ શ્વાનના વૈજ્ઞાનિક, સ્વચ્છ અને સન્માનજનક અંતિમ સંસ્કાર માટે મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. પાલિકાની આરોગ્ય સમિતિએ ભટાર સ્થિત એસટીપી ખાતે ગેસ આધારિત આધુનિક પેટ ડોગ ક્રિમેટોરિયમ સ્થાપવાની દરખાસ્તને મંજૂરી આપી છે. આશરે ૪૪.૩૦ લાખના ખર્ચે બનનારી આ સુવિધા કાર્યરત થયા બાદ સુરત, અમદાવાદ પછી ગેસ આધારિત પેટ ક્રિમેટોરિયમ ધરાવતું ગુજરાતનું બીજું મહાનગર બનશે.

નવી સુવિધામાં પ્રતિ કલાક ૧૦૦ કિલોગ્રામ ક્ષમતાવાળું ગેસ આધારિત ઇન્સિનરેટર સ્થાપવામાં આવશે, જેમાં મૃત શ્વાન તેમજ અન્ય નાના પ્રાણીઓના મૃતદેહોનું ઊંચા તાપમાને સંપૂર્ણ દહન કરવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા મૃત પ્રાણીઓનો ઝડપી અને વૈજ્ઞાનિક નિકાલ શક્ય બનશે. સાથે જ દુર્ગંધ, જમીન પ્રદૂષણ, ભૂગર્ભ જળ પર થતી અસર અને ચેપજન્ય રોગો ફેલાવવાનું જોખમ પણ નોંધપાત્ર રીતે ઘટશે.

પાલતુ શ્વાનના માલિકોને પણ મળશે આ લાભ

હાલ શહેરમાં મૃત રખડતા અને પાલતુ શ્વાનના નિકાલ માટે મુખ્યત્વે દફનવિધિનો ઉપયોગ કરવામાં આવે છે. વધતી શહેરી વસતી અને જાહેર આરોગ્યના પડકારોને ધ્યાનમાં રાખીને પાલિકાએ વધુ અસરકારક અને પર્યાવરણમૈત્રી વિકલ્પ અપનાવવાનો ર્નિણય કર્યો છે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા મુજબ રસ્તાઓ પર મૃત્યુ પામતા રખડતા શ્વાન, પાલિકા સંચાલિત કતલખાના, માંસ-મચ્છી બજાર અને અન્ય સ્થળોએ મળતા નાના પ્રાણીઓના મૃતદેહોના નિકાલ માટે હાલની વ્યવસ્થા પૂરતી નથી.આરોગ્ય સમિતિના અધ્યક્ષ અશોક રાંદેરીયાએ જણાવ્યું કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સંબંધિત પર્યાવરણ ધોરણો અનુસાર ઇન્સિનરેશન પદ્ધતિ મૃત પ્રાણીઓના નિકાલ માટે સૌથી સુરક્ષિત અને વૈજ્ઞાનિક વિકલ્પ માનવામાં આવે છે. તે જ ધોરણોને આધારે ભટાર એસટીપી ખાતે આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિર્માણ કાર્ય શરૂ થશે.

આ સુવિધાનો લાભ માત્ર પાલિકા માટે જ નહીં પરંતુ પાલતુ શ્વાનના માલિકો માટે પણ મહત્વપૂર્ણ રહેશે. તેઓ પોતાના પ્રિય પાલતુ પ્રાણીના સન્માનજનક અંતિમ સંસ્કાર કરી શકશે. આ ઉપરાંત શહેરમાં સ્વચ્છતા જાળવવા, જાહેર આરોગ્યને સુરક્ષિત રાખવા અને પર્યાવરણનું સંરક્ષણ કરવા માટે પણ આ પ્રોજેક્ટ ઉપયોગી સાબિત થશે.

પાલિકાએ ભવિષ્યમાં જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મોટા પ્રાણીઓના વૈજ્ઞાનિક અંતિમ સંસ્કાર માટે પણ અલગ આધુનિક સુવિધા વિકસાવવાની દિશામાં વિચારણા શરૂ કરવાની સંભાવના વ્યક્ત કરી છે. આ પહેલ સુરતમાં પ્રાણી કલ્યાણ, સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનવામાં આવી રહી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.