Last Updated on by Sampurna Samachar
વાલીઓ અને બજરંગ દળ દ્વારા નોંધાયો
સ્કૂલમાં વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળવો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના શીલજ સ્થિત આનંદ નિકેતન સ્કૂલમાં વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળવા તેમજ અન્ય ધર્મના પુસ્તકો ફરજિયાત વંચાવવાના આક્ષેપો સાથે વાલીઓ અને બજરંગ દળ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે શાળા સંકુલમાં ભારે તંગદિલી સર્જાઈ હતી. વાલીઓના આક્રોશ અને કેટલાક બાહ્ય તત્ત્વોની દખલગીરીને કારણે શિક્ષકો અને સ્ટાફની સુરક્ષા તેમજ માનસિક સ્વાસ્થ્યને ટાંકીને શાળા પ્રશાસને એક દિવસ પૂરતી રજા જાહેર કરી દીધી હતી. સમગ્ર મામલે એક્શનમાં આવી આચાર્ય સામે અને કેન્ટીન અંગે પગલાં લેવા આદેશ કર્યો છે.

આ ગંભીર બેદરકારી સામે અમદાવાદ શહેર-જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ લાલ આંખ કરી છે અને આનંદ નિકેતન સ્કૂલ પાસે એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો છે. પ્રાથમિક તપાસમાં શાળાની સ્પષ્ટ ભૂલ છતી થતાં, જ્યાં સુધી ફૂડ સેફ્ટીના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન ન થાય ત્યાં સુધી કેન્ટીન બંધ રાખવાનો અને હાલના પ્રિન્સિપલ સામે કડક પગલાં લેવા આદેશ આપવામાં આવ્યો છે.
શાળાની ઘોર બેદરકારી સ્પષ્ટપણે સામે આવી
DEO એ આગામી દિવસોમાં ફૂડ સેફ્ટી વિભાગને સાથે રાખીને શહેરની અન્ય શાળાઓની કેન્ટીનોમાં પણ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવાની જાહેરાત કરી છે. આ અંગે DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘આનંદ નિકેતન શિલજ સ્કૂલને બે કારણોસર કારણદર્શક નોટિસ પાઠવીને તેનો ખુલાસો અને એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો છે. કારણ કે વિદ્યાર્થીઓના શિક્ષણકાર્યની સાથે સાથે તેમની સુરક્ષા અને સ્વાસ્થ્યની બાબતમાં કોઈપણ પ્રકારની બેજવાબદારી કે બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે.
આ ઘટના ધ્યાને આવતા જ અમારી ટીમે સ્થળની મુલાકાત લીધી હતી અને પ્રાથમિક અહેવાલમાં જ શાળાની ઘોર બેદરકારી સ્પષ્ટપણે સામે આવી છે. આથી અમે ડીવાયએમસી હેલ્થ તેમજ ફૂડ અને સેફ્ટી વિભાગને પત્ર લખીને આ બાબતે સંયુક્ત તપાસ કરવા જણાવ્યું છે અને જ્યાં સુધી કેન્ટીનમાં નિયત ધારાધોરણો ન જળવાય ત્યાં સુધી કેન્ટીન બંધ રાખવા તેમજ જવાબદાર ઇન્ચાર્જ પ્રિન્સિપાલ, સુપરવાઇઝર અને કેન્ટીન કોન્ટ્રાક્ટરને તાત્કાલિક અસરથી દૂર કરી તેમની સામે કડક કાર્યવાહી કરવા શાળા મેનેજમેન્ટને આદેશ આપ્યો છે.‘
ડ્ઢઈર્ં એ વધુમાં જણાવ્યું કે, ‘જોકે શાળા દ્વારા એજન્સી બદલીને અન્ય કોન્ટ્રાક્ટરની નિમણૂક કરવામાં આવી હોવાની મૌખિક વિગતો મળી છે, પણ અમે તેમની પાસેથી લેખિત બાંહેધરી મેળવ્યા બાદ જ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી આગળની મંજૂરી આપીશું. આ ઘટના પરથી બોધપાઠ લઈને હવેથી અમદાવાદ શહેરની તમામ ખાનગી શાળાઓમાં ફૂડ સેફ્ટી વિભાગ સાથે મળીને કેન્ટીનની સમયાંતરે સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવશે. જેથી ભવિષ્યમાં બાળકોના સ્વાસ્થ્ય સાથે આવી કોઈ રમત ન થાય.