Last Updated on by Sampurna Samachar
જૂથવાદ બંધ કરો અને એક સાથે મળીને કામ કરો
જિલ્લા કોંગ્રેસ કમિટીઓને તાકતવાર બનવા સંદેશ આપ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં કોંગ્રેસના ‘સંગઠન સર્જન અભિયાન‘ની શરૂઆત કરી છે. આ અભિયાનનો ઉદ્દેશ ૨૦૨૮ ની વિધાનસભા ચૂંટણી માટે પક્ષ સંગઠનને મજબૂત બનાવવા અને ૨૦ વર્ષથી નિસ્તેજ બનેલા કોંગ્રેસ (CONGRESS) સંગઠનને મિશન ૨૦૨૮ માટે તૈયાર કરવાનો છે. રાહુલ ગાંધી પાંચ કલાકની મુલાકાત દરમિયાન પાંચ બેઠકોમાં ભાગ લીધો હતો. તેમણે નેતાઓને જૂથવાદ દૂર કરવા, એકજૂટ બની કામ કરવા અને સંગઠનાત્મક ઢાંચાને સશક્ત બનાવવા સંદેશ આપ્યો છે.
રાહુલ ગાંધીએ પક્ષના નેતાઓને નિર્દેશ આપતાં કહ્યું કે, જૂથવાદ બંધ કરો અને એક સાથે મળીને કામ કરો. કોઈપણ ર્નિણય ઉપરથી થોપવામાં આવશે નહીં. બધાએ સાથે મળીને ર્નિણય લેવો પડશે, જો કોઈ બદલાવની જરૂર પડી તો તેનો ર્નિણય અમે લઈશું.
સંગઠનમાં યોગ્ય વ્યક્તિને યોગ્ય સ્થાન આપો
કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ સંગઠનના પુનર્ગઠન મુદ્દે કડક વલણ અપનાવતાં કહ્યું કે, કોઈપણ પ્રકારની હેરાફેરી ચલાવી લેવામાં આવશે નહીં. જો કઈ ખોટુ થયું તો અમે તેને તુરંત દૂર કરીશું. ભાજપની મદદ કરનારા નેતાઓની ઓળખ કરો અને સંગઠનમાં યોગ્ય વ્યક્તિને યોગ્ય સ્થાન આપો. રાહુલ ગાંધીએ જિલ્લા કોંગ્રેસ કમિટીઓને તાકતવાર બનવા સંદેશ આપ્યો છે.
જિલ્લા કોંગ્રેસ કમિટીઓની ભૂમિકાને લોકસભા, વિધાનસભા, નગર નિગમ અને નગર પાલિકામાં ઉમેદવારની પસંદગી પ્રક્રિયામાં જવાબદારી સોંપવામાં આવશે. તેમજ જવાબદેહી બનવા પણ નિશ્ચિત કરવામાં આવશે. અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી અને રાજ્યના નિરિક્ષકો સાથે મળી આ પ્રક્રિયાને નિષ્પક્ષ રૂપે પૂરી કરશે. બ્લોક, સેક્ટર, વોર્ડ, પંચાયત સ્તરે કોંગ્રેસ કમિટીઓની રચના તાત્કાલિક ધોરણે કરવામાં આવશે. જેથી ચૂંટણી દરમિયાન એક સશક્ત સંગઠન તૈયાર થાય જે ભાજપ વિરૂદ્ધ રાષ્ટ્રીય મુદ્દાઓ, અને કોંગ્રેસની વિચારધારાને મજબૂતીથી રજૂ કરી શકાશે.
રાહુલ ગાંધી દ્વારા જૂતા પહેરી ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ભાજપના આરોપો પર મુકેશ નાયકે જવાબ આપ્યો છે કે, અમે કર્મકાંડમાં વિશ્વાસ કરનારા લોકો નથી. સંસ્કારના નામ પર છેતરપિંડી કરતા નથી, ધર્માંતરણને પ્રોત્સાહન આપવુ, નકલી લોકોને નકલી કપડાં પહેરાવી જનતા વચ્ચે ઉભા કરવા જેવા મુદ્દા હવે જુના થયા છે. જનતા તેમાંથી ઉભરી ગઈ છે. કોંગ્રેસનું લક્ષ્ય સમતા-આધારિત સમાજનું નિર્માણ અને સમાવેશી વિકાસ છે.