Last Updated on by Sampurna Samachar
૫ હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર
NDRF તથા SDRF ની ટીમો બચાવ કામગીરીમાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાલમાં રાજ્યભરમાં મેઘરાજાનુ તોફાની બેટિંગ થઇ રહ્યુ છે. ત્યારે ભારે વરસાદના કારણે નવસારી શહેર અને જિલ્લાની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. નવસારીના લગભગ ૩૦ ટકા વિસ્તારમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે. અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીઓ ગાંડીતૂર બનતા વર્ષ ૧૯૬૮ પછી પ્રથમ વખત પૂર્ણાએ આવી ભયાનક સ્થિતિ સર્જી છે.

શાંતાદેવી વિસ્તારની મોટી ઈમારતો પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, જેના કારણે નવસારી શહેરના ૫૦ હજાર અને ગ્રામીણ ભાગના દોઢ લાખથી વધુ લોકોને સીધી અસર પહોંચી છે. જિલ્લામાંથી અત્યાર સુધીમાં ૫ હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે અને NDRF તથા SDRF ની ટીમો બચાવ કામગીરીમાં રાત-દિવસ લાગી ગઈ છે.
સમગ્ર રાજ્યમાં વાહનવ્યવહાર પર માઠી અસર
બીજી તરફ, આ મુશળધાર વરસાદની માર્ગ વાહનવ્યવહાર પર પણ માઠી અસર પડી છે. સમગ્ર રાજ્યમાં ૧૨૦૧ રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેમાં ૨૬ સ્ટેટ હાઈવે, ૧૧૦૯ પંચાયત હસ્તકના રસ્તાઓ અને ૭ નેશનલ હાઈવેનો સમાવેશ થાય છે. જિલ્લાવાર જોઈએ તો વલસાડમાં સૌથી વધુ ૪૭૮ અને નવસારીમાં ૨૫૬ રસ્તાઓ બંધ થતાં વિસરાયેલું જનજીવન ભારે મુશ્કેલીમાં મુકાયું છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વર્ષ ૧૯૬૮માં આવેલી પૂર્ણા નદીની ભયાનક રેલ બાદ આટલાં વર્ષો પછી નવસારીમાં આવી જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. શહેરના પોશ ગણાતા શાંતાદેવી વિસ્તારની મોટી મોટી ઈમારતોના પહેલા માળ સુધી પૂરના પાણી પહોંચી ગયા છે. અનેક સોસાયટીઓ અને ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકો ઘરવખરી બચાવવા માટે માળાઓ અને ધાબાઓ પર આશરો લેવા મજબૂર બન્યા છે.
પૂરની આ વિકટ પરિસ્થિતિએ શહેરી અને ગ્રામીણ બંને ક્ષેત્રોને ઝપેટમાં લીધા છે. નવસારી શહેરના આશરે ૫૦ હજાર શહેરીજનો અને ગ્રામીણ વિસ્તારના દોઢ લાખથી વધુ લોકો મળીને કુલ ૨ લાખથી વધુ વસ્તીને પૂરની સીધી અસર થઈ છે. પરિસ્થિતિની ગંભીરતાને જાેતાં નવસારી જિલ્લામાંથી અત્યાર સુધીમાં ૫ હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. બચાવ કામગીરી માટે જિલ્લામાં ૨ ટીમો સતત કાર્યરત છે. જો વાતાવરણ અનુકૂળ બનશે, તો ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવા માટે હેલિકોપ્ટરની મદદ લેવાની પણ પૂરી તૈયારી રાખવામાં આવી છે.
પૂર અને ભારે વરસાદના કારણે સમગ્ર રાજ્યમાં વાહનવ્યવહાર પર માઠી અસર પડી છે. ગુજરાતમાં કુલ ૧૨૦૧ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવા પડ્યા છે. જેમાં ૨૬ સ્ટેટ હાઈવે અને ૧૧૦૯ પંચાયત હસ્તકના રસ્તાઓનો સમાવેશ થાય છે. રાજ્યના ૭ નેશનલ હાઈવે બંધ થયા છે. જેમાં વલસાડના ૩, જ્યારે તાપી, ભરૂચ, છોટાઉદેપુર અને નવસારીના ૧-૧ નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.
વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે કુલ ૪૭૮ રસ્તાઓ બંધ છે. નવસારી જિલ્લાના કુલ ૨૫૬ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતાં બંધ કરવાની ફરજ પડી છે. હાલ તંત્ર દ્વારા અસરગ્રસ્તો સુધી રાહત સામગ્રી પહોંચાડવા અને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.