Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાનને ઓપરેશન સિંદુર પહેલાં જાણ કરાઇ હોવાનો દાવો
વિદેશમંત્રી એસ. જયશંકરના રાજીનામાની માંગણી કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓપરેશન સિંદુરને લઇ વિપક્ષે હવે કેન્દ્ર સરકાર અને વિદેશમંત્રી એસ જયશંકરને ટાર્ગેટ કરી સવાલો ઉઠાવ્યા હતા. જેમાં વિપક્ષે ઓપરેશન સિંદુરની શરૂઆત પહેલાં પાકિસ્તાનને જાણ કરી હોવાનો દાવો કર્યો હતો. જોકે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે જયશંકર (JAYSHANKAR) ના નિવેદનને ખોટી રીતે રજુ કરવામાં આવી રહ્યું છે. PIB ફેક્ટચેક દ્વારા પણ દાવો કરાયો છે કે જયશંકરે આવુ કોઇ નિવેદન નથી આપ્યું.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વિદેશમંત્રી જયશંકરનો એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો હતો કે આ વીડિયોમાં જયશંકર કહી રહ્યા છે કે તેમણે પાકિસ્તાનને પહેલા જ કહી દીધુ હતું કે ભારત હુમલો કરવાનું છે. જ્યારે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે વિદેશમંત્રી એસ. જયશંકરના રાજીનામાની માંગણી કરી હતી.
જયશંકરના નિવેદનને ખોટી રીતે રજુ કરાયું
રાહુલે આરોપ લગાવ્યો હતો કે હુમલાની જાણકારી અગાઉથી જ પાકિસ્તાનને આપી દેવી ગુનો છે. વિદેશમંત્રીએ જાહેરમાં સ્વીકાર કર્યો હતો કે ભારત સરકારે આ જાણ કરી હતી. રાહુલે સવાલ કર્યો હતો કે પાક.ને જાણ કરવા માટે કોના તરફથી મંજૂરી અપાઇ હતી? જેના પરિણામે આપણી એરફોર્સના કેટલા વિમાન ગુમાવવા પડયા હતા? જ્યારે પીઆઇબી ફેક્ટચેકમાં દાવો કરાયો છે કે વિદેશમંત્રી જયશંકરે આવો કોઇ જ દાવો નથી કર્યો.
જયશંકરના નિવેદનને ખોટી રીતે રજુ કરીને એવુ દેખાડવાનો પ્રયાસ થયો કે ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કરતા પહેલા જ તેની જાણ પાક.ને કરી હતી. વિદેશમંત્રીને ખોટી રીતે રજુ કરાઇ રહ્યા છે, તેમણે આવુ કોઇ નિવેદન નથી આપ્યું. રાહુલ ગાંધી અને કોંગ્રેસના દાવાનો જવાબ આપતા ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ PIB ના ફેક્ટ ચેકને શેર કર્યું હતું જેમાં દાવો કરાયો છે કે જયશંકરના નિવેદનને ખોટી રીતે રજુ કરાઇ રહ્યું છે.