Last Updated on by Sampurna Samachar
તેલંગાણાના મુખ્યમંત્રીના નિવેદનોથી રાજકીય ગરમાવો
તિરંગા રેલી પર પણ સવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પાકિસ્તાન સાથેના સંઘર્ષ બાદ કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહેલી વાહવાહી પર કેટલાક સવાલો ઉઠાવ્યા છે. તેમણે હૈદરાબાદમાં જય હિંદ યાત્રા પહેલાં એક જનસભાને સંબોધિત કરતાં ભાજપ પર આરોપ મૂક્યો હતો કે, ‘ભાજપ પાકિસ્તાન સાથેના સંઘર્ષનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. આ સંઘર્ષમાં પારદર્શકતા પણ નથી. ચાર દિવસના સંઘર્ષ પછી શું થયું, કોણે આત્મસમર્પણ કર્યું એ વિશે આપણે કંઈ જાણતા નથી.’
રેવંત રેડ્ડીએ યુદ્ધ વિરામના ર્નિણય પર ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક ન બોલાવવા બદલ પણ વડાપ્રધાન પર પ્રહાર કર્યા હતાં. તેમણે ક્હ્યું કે, સંઘર્ષ શરૂ કરતાં પહેલાં તમે સર્વપક્ષીય બેઠક બોલાવી, જ્યારે તમને અમારી જરૂર હતી, ત્યારે તમે અમને બોલાવ્યા, અમે સેના સાથે જ છીએ, પરંતુ સંઘર્ષ સમાપ્ત થતાં અમને સામેલ ન કર્યાં. પાકિસ્તાને કેટલા રાફેલ નષ્ટ કર્યા, તેના વિશે કોઈ કઈ બોલી રહ્યું નથી. નાગરિકો અને રાજકીય પક્ષોની વારંવાર દરખાસ્ત છતાં કેન્દ્ર સરકાર POK ને પાછું મેળવવામાં નિષ્ફળ રહી.
મોદી આપણા માટે ક્યારેય યુદ્ધ જીતશે નહીં
આ દરમિયાન રેડ્ડીએ રાહુલ ગાંધીના વખાણ કરતાં કહ્યું કે, જાે રાહુલ ગાંધી વડાપ્રધાન હોત તો તેઓ POK પાછું લઈને આવતાં. મોદી પ્રતિબંધિત ૧૦૦૦ રૂપિયાની નોટ જેવા છે. આપણને રાહુલ ગાંધી જેવા નેતાની જરૂર છે. મોદી આપણા માટે ક્યારેય યુદ્ધ જીતશે નહીં. માત્ર રાહુલ ગાંધી જ PM સ્વરૂપે યુદ્ધ લડી શકે છે. કોંગ્રેસે રાષ્ટ્ર સુરક્ષાના હિતમાં પાકિસ્તાન સાથેના સંઘર્ષમાં સરકારને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. વધુમાં તિરંગા રેલી પર પણ સવાલ ઉઠાવતાં રેડ્ડીએ કટાક્ષ કર્યો કે, શું ભાજપ દ્વારા યોજાઈ રહેલી તિરંગા રેલીઓ વાસ્તવમાં પહલગામ હુમલાના પીડિતો અને યુદ્ધમાં શહીદ સૈનિકોની યાદમાં યોજાઈ રહી છે?
મોદી સરકારની પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના નેતૃત્વની સાથે તુલના કરતાં રેડ્ડીએ કહ્યું કે, યુદ્ધ માત્ર ભાષણ આપવા માટે નથી. તે સાહસ, સંકલ્પ અને વ્યૂહનીતિ વિશે છે. ૧૯૭૧ના યુદ્ધમાં જ્યારે અમેરિકા પાકિસ્તાનને સમર્થન આપી રહ્યું હતું, ત્યારે ઈન્દિરા ગાંધી પોતાના ર્નિણયો પર અડગ રહ્યા અને ભારતે ૧૯૭૧નું યુદ્ધ જીત્યું. આ યુદ્ધમાં માત્ર વિજય જ નહીં, પણ તેમણે પાકિસ્તાનના ભાગલાં પાડી બાંગ્લાદેશનું નિર્માણ કર્યું હતું. પરંતુ આજે ચીને આપણી ૪૦૦૦ વર્ગ કિમી જમીન પર કબજો કરી લીધો છે. સૂર્યપેટના આપણા જવાન કર્નલ સુરેશ બાબૂ શહીદ થયા છે અને આપણા વડાપ્રધાન આ મામલે મૌન ધારણ કરીને બેઠા છે.
ભાજપ સરકાર પર પ્રહાર કરતા રેડ્ડીએ કહ્યું કે, યુદ્ધનો મુદ્દો કોઈ એક પક્ષનો અંગત મામલો નથી. તે દેશ અને તેના દેશવાસીઓનો છે. જય હિંદ યાત્રા સશસ્ત્ર દળોની એકતા દર્શાવે છે. તેમનું મનોબળ મોદી સરકારની કાર્યવાહીઓના કારણે તૂટ્યું છે. તમે હાલ રેલીઓમાં કોંગ્રેસની ટીકા કેમ કરી રહ્યા છો? ૧૯૬૭, ૧૯૭૧ની જીત માટે કે પછી હવે લોકો તમને સમર્થન આપે તેના માટે? ભારતના ખૂણે ખૂણે લોકો આજે પણ ઈન્દિરા ગાંધીને યાદ કરે છે. ૧૯૬૭માં ચીન સાથેના યુદ્ધમાં ચીનને પણ હંફાવ્યું હતું. હું ભાજપને સવાલ કરવા માગું છું કે, તમે લોકો શું કરી રહ્યા છો? તમે જે યુદ્ધ જાહેર કર્યું હતું, તેમાં પાકિસ્તાને આપણા દેશના ૩૩ લોકોને મારી નાખ્યા. ત્યારે તમે શું કરી રહ્યા હતાં?