Last Updated on by Sampurna Samachar
લગ્નના જોડામાં વોટ આપવા પહોંચેલા વરરાજા નિરાશ
લાંબા સમય સુધી શોધખોળ અને પ્રયત્નો છતાં નામ ન મળતા, વરરાજાએ ભારે હૈયે પરત ફરવું પડ્યું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
લોકશાહીના પર્વમાં અનેક પ્રેરણાદાયી કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે વડોદરાના ફતેગંજ વિસ્તારમાં એક હૃદયસ્પર્શી પણ નિરાશાજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા બાદ તરત જ દેશ પ્રત્યેની ફરજ નિભાવવા નીકળેલા એક વરરાજાએ મતદાર યાદીની ક્ષતિને કારણે નિરાશ થઈ પરત ફરવું પડ્યું છે.

ફતેગંજ વિસ્તારમાં રહેતા પાર્થ આનંદરાવ હરાલના આજે નિશાલી બહાદુર્ગે સાથે લગ્ન હતા. મંગળફેરા અને લગ્નની તમામ ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ, નવા જીવનની શરૂઆત કરતા પહેલા આ નવદંપતીએ મતદાન કરવાનો સંકલ્પ કર્યો હતો. લગ્નનો ભવ્ય પોશાક અને શણગાર સજેલી હાલતમાં જ પાર્થ અને નિશાલી ફતેગંજની નવયુગ વિદ્યાલય ખાતેના મતદાન મથકે પહોંચ્યા હતા.
ભારે હૈયે પરત ફરવું પડ્યું
નવદંપતીને મતદાન મથકે જોઈને ત્યાં હાજર અન્ય મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ, જ્યારે પાર્થભાઈ મતદાન કરવા અંદર ગયા ત્યારે અધિકારીઓએ તપાસ કરતા જાણવા મળ્યું કે મતદાર યાદીમાં તેમનું નામ નોંધાયેલું જ નથી. લાંબા સમય સુધી શોધખોળ અને પ્રયત્નો છતાં નામ ન મળતા, જાગૃત વરરાજાએ મતાધિકારનો ઉપયોગ કર્યા વગર જ ભારે હૈયે પરત ફરવું પડ્યું હતું.
મતદાન ન કરી શક્યાની નિરાશા છતાં પાર્થ હરાલે પોતાની ખેલદિલી બતાવી હતી. તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “હું એક જાગૃત નાગરિક તરીકે મારી ફરજ નિભાવવા આવ્યો હતો, પરંતુ લિસ્ટમાં નામ ન હોવાથી વોટ આપી શક્યો નથી તેનું ખૂબ દુ:ખ છે. છતાં, હું તમામ નાગરિકોને વિનંતી કરું છું કે તમે આવી ભૂલ ન કરતા અને તમારો અમૂલ્ય વોટ ચોક્કસ આપજો.”