Last Updated on by Sampurna Samachar
વન નેશન, વન ઈલેક્શનના નામે ચૂંટણી રોકવાનો કારસો
સરકારના ઈશારે વહીવટદારો કરે છે મનફાવતું વર્તન
(સંપૂર્ણ સમાચાર સેવા)
સમગ્ર દેશને પંચાયતી રાજનું મોડલ આપનાર ગુજરાતમાં જ ૪ હજાર ગ્રામ પંચાયતમાં ૩ વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે, જેમાં વધુ ૧૪૦૦ પંચાયતોની મુદ્દત ૩૦ જૂને પૂર્ણ થઈ રહી છે. ચૂંટાયેલી પાંખ વિના પંચાયતોનો કારોબાર ચાલી રહ્યો છે. ત્યારે કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે, વન નેશન-વન ઇલેક્શનના નામે ગુજરાતમાં પંચાયતોની ચૂંટણી સ્થગિત કરવાના કાવાદાવા કરવામાં આવી રહ્યાં છે.
ગુજરાત પંચાયત એકટ ૧૯૯૩/૧૯૯૪ માં જોગવાઈ છે કે, કોઇપણ પંચાયતમાં સરપંચ-સભ્યની ખાલી થયેલી બેઠકોની પેટા ચૂંટણીઓ ૧૨ માસ પૂરા થાય એ પહેલાં કરાવવી એ રાજ્ય ચૂંટણીપંચની બંધારણીય જવાબદારી છે. રાજ્ય ચૂંટણીપંચ લાંબા સમય સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કોઈ કારણ વગર રોકી શકે નહીં.
કોંગ્રેસે લગાવ્યા ભાજપ પર આક્ષેપો
વન નેશન વન ઈલેકશનનો કાયદો હજુ બન્યો નથી પણ ગુજરાતમાં તેનો પ્રયોગ કરવા સરકાર મથામણ કરી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સ્થગિત કરાવતાં છેલ્લાં ૩ વર્ષથી ગ્રામ્ય વિસ્તારમાં લોકો પોતાના પ્રતિનિધિ ચૂંટી નથી શક્યાં, અધિકાર રાજ હેઠળ પ્રજા પિસાતી રહે તે માટે હજુ પંચાયતોની ચૂંટણીનું ઠેકાણું પાડ્યું નથી.
કોંગ્રેસનો આક્ષેપ છે કે, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લામાં મનરેગા અને નલ સે જલ કૌભાંડ બહાર આવ્યા છે. ગ્રામ પંચાયતોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ન હોવાથી સરકારના ઈશારે વહીવટદારો મનફાવે તે રીતે વર્તી રહ્યા છે. એ વાત ચોક્કસ છે કે, ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ન યોજીને ભાજપ સરકાર જ વહીવટદારો દ્વારા થતાં સરકારી યોજનામાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી રહી છે.