Last Updated on by Sampurna Samachar
વેરાવળના ગોવિંદપરા ગ્રામ પંચાયતમાં મનરેગા કૌભાંડનો પર્દાફાશ
સ્થાનિક રાજકારણમાં ગરમાવો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વેરાવળ પંથકમાં સરકારી સબસિડી અને યોજનાઓના નાણાં ઓળવી જતાં સ્થાનિક નેતાઓની એક મોટી કરતૂત ખુલી છે. માહિતી મુજબ વેરાવળના ગોવિંદપરા ગ્રામ પંચાયતમાં વર્ષો પહેલા આચરવામાં આવેલી મહાકૌભાંડની તપાસના અંતે તત્કાલીન સરપંચ અને ઉપસરપંચ વિરૂદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

મળતી માહિતી મુજબ, વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૬ના સમયગાળા દરમિયાન ગોવિંદપરા ગામમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના અંતર્ગત અનેક વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન તત્કાલીન સરપંચ ગની સુમરા અને ઉપસરપંચ ઈસા ચૌહાણે સરકારી નાણાંની તફડંચી કરવા માટે એક ઘૃણાસ્પદ આયોજન કર્યું હતું.
વેરાવળ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
જે લોકો વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હતા અને જે શ્રમિકો ભારત છોડીને પાકિસ્તાનમાં જઈને વસી ગયા હતા, તે તમામ લોકોના નામે કાગળ પર ખોટા અને બોગસ ‘જોબકાર્ડ‘ બનાવી દેવામાં આવ્યા હતા. આ નકલી નામોના આધારે બેંક ખાતા ખોલાવી કે મસ્ટર રોલ પર ખોટી સહીઓ કરીને સરકારી ગ્રાન્ટ બારોબાર ઉપાડી લેવામાં આવી હતી.
આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએથી મળેલી ફરિયાદોના આધારે સરકારી તંત્ર અને ઓડિટ ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં મનરેગા યોજનાની વહીવટી અને નાણાકીય અનિયમિતતાઓમાં તત્કાલીન સરપંચ ગની સુમરા અને ઉપસરપંચ ઈસા ચૌહાણની સીધી સંડોવણી હોવાના મજબૂત પુરાવા મળી આવ્યા હતા.
પુરાવા મળતા જ વેરાવળના તાલુકા વિકાસ અધિકારી ટીલાવત પોતે ફરિયાદી બન્યા હતા અને તેમણે વેરાવળ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં બંને નરાધમ પદાધિકારીઓ વિરૂદ્ધ કાયદાકીય ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનાહિત વિશ્વાસઘાત , છેતરપિંડી , બનાવટી દસ્તાવેજો બનાવવા અને એકબીજાની મદદગારી મુજબ ગુનો નોંધીને સરકારી દસ્તાવેજો કબજે કરવાની અને આરોપીઓની ધરપકડ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.