Last Updated on by Sampurna Samachar
મહિલા ઘરઘાટીની પોલીસે ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કર્યો
ઘરમાં જ સાફ-સફાઈ અને કામકાજ કરતી મહિલા ચોર
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતા એક દંપતીના ઘરમાં થયેલી લાખો રૂપિયાની ઘરફોડ ચોરીના ગુનાનો વાડજ પોલીસે સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે, આ ચોરી કોઈ બહારના રીઢા ગુનેગારે નહીં, પરંતુ દંપતીના ઘરમાં જ સાફ-સફાઈ અને કામકાજ કરતી મહિલા ઘરઘાટીએ આચરી હતી.

પોલીસે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના કલાકોમાં મહિલાને પકડી પાડી તેની પાસેથી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, વાડજ વિસ્તારમાં એક હાઈપ્રોફાઈલ દંપતીના મકાનમાં આ મહિલા ઘરઘાટી તરીકે કામ કરતી હતી. દંપતી ઘરની બહાર ગયું હોવાનો અથવા મોકો જોઈને મહિલાએ તિજોરીમાંથી ૨૧ લાખની કિંમતના કિંમતી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી લીધી હતી. જ્યારે દંપતીને દાગીના ગાયબ હોવાની ખબર પડી ત્યારે તેમણે વાડજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
ગુનામાં સંડોવાયેલા મહિલાના પ્રેમીની શોધખોળ હાથ ધરાઇ
પોલીસે જ્યારે ઘરના સભ્યો અને કામ કરતા સ્ટાફની પૂછપરછ શરૂ કરી ત્યારે આ મહિલાની હિલચાલ શંકાસ્પદ જણાતી હતી. પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં મહિલાએ ગુનો કબૂલ કરી લીધો હતો. તેણે જણાવ્યું કે, પોતાના આર્થિક ફાયદા માટે અને પોતાના પ્રેમી સાથે મળીને તેણે આ આખી ચોરીનો પ્લાન ઘડ્યો હતો અને દાગીના ચોરી લીધા હતા.
વાડજ પોલીસે મહિલા ચોરની સત્તાવાર ધરપકડ કરીને તેની તપાસના આધારે ચોરી કરાયેલા કુલ મુદ્દામાલમાંથી ૧૭ લાખથી વધુની કિંમતના ઘરેણાં સફળતાપૂર્વક પરત મેળવી કરી લીધા છે. પોલીસ હવે આ ગુનામાં સંડોવાયેલા તેના પ્રેમીની શોધખોળ કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે, ઘરમાં કોઈપણ અજાણ્યા ઘરઘાટી કે નોકરને રાખતા પહેલાં તેનું પોલીસ વેરિફિકેશન કરાવવું કેટલું અનિવાર્ય છે.