Last Updated on by Sampurna Samachar
ટક્કર એટલી ભયંકર હતી કે બાઇકના ફુરચા ઉડી ગયા
અકસ્માતમાં બાઇક પર સવાર બે ગંભીર ઈજાગ્રસ્ત
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના ધોરાજી-જુનાગઢ રોડ પર એક મહિલાએ જાહેર રસ્તા પર બેફામ કાર ચલાવી આતંક મચાવ્યો હતો. પૂરપાટ ઝડપે આવતી આ મહિલા કાર ચાલકે બાઈકને ટક્કર મારતા ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ઘટનાની મળતી માહિતી મુજબ, રાજકોટમાં ધોરાજી-જુનાગઢ રોડ પર એક ફોર-વ્હીલર કારના મહિલા ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા આગળ જતા તેની બાઈક સાથે ટક્કર થઈ હતી. કાર અને બાઇક વચ્ચેની ટક્કર એટલી ભયંકર હતી કે બાઇકના ફુરચા ઉડી ગયા અને બાઈક સવારો રસ્તા પર ફંગોળાયા હતા.
અકસ્માત સર્જનાર મહિલા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો
અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. જે બાદ સ્થાનિકો દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બંને લોહીલુહાણ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ધોરાજીની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતના પગલે રોડ પર લોકોના ટોળા એકઠા થતા થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જાેકે બનાવની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો અને ટ્રાફિક ક્લિયર કરાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં આ ગંભીર અકસ્માતમાં બાઈક પર સવારને માથા અને શરીરના અન્ય ભાગોમાં ભારે ઈજાઓ પહોંચી છે. ત્યારે બંનેની હાલત અત્યંત નાજુક અને ગંભીર જણાતા તેઓને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે જુનાગઢ ખાતે રિફર કરવામાં આવ્યા છે. ત્યારે આ મામલે પોલીસે અકસ્માત સર્જનાર મહિલા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવા સહિતની આગળની કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.