Last Updated on by Sampurna Samachar
આણંદ જિલ્લા પંચાયતમાં સત્તા સરકીને કોંગ્રેસ પાસે ગઈ
કોંગ્રેસની છાવણીમાં આનંદ છવાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદની ચૂંટણીને લઈને મોટો રાજકીય વળાંક આવ્યો છે. ભાજપના ઉમેદવારનું ઉમેદવારી ફોર્મ રદ થતા કોંગ્રેસ માટે જીતનો રસ્તો સાફ થઇ ગયો છે. ફોર્મ ચકાસણી દરમિયાન જાતિ પ્રમાણપત્ર મુદ્દે વિવાદ ઊભો થયો હતો. અને હવે કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ વિજેતા બનશે.

આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ પદ માટે ભાજપના ઉમેદવાર મયુરી પટેલ દ્વારા મહારાષ્ટ્ર સરકારનું અનામત જાતિ પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. આ મુદ્દે કોંગ્રેસ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. ફોર્મ ચકાસણી દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતીએ બંને પક્ષોના વકીલોની દલીલો સાંભળી હતી. ત્યારબાદ ગુજરાત સરકારના નિયમો મુજબ અન્ય રાજ્યનું અનામત જાતિ પ્રમાણપત્ર માન્ય ન ગણાતા ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્રનું જાતિ પ્રમાણપત્ર અમાન્ય થતાં ફોર્મ રદ થયુ
બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ગૌરીબેન તડવીનું ફોર્મ માન્ય રાખવામાં આવતા હવે કોંગ્રેસના ઉમેદવારને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવશે. ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ થતાં કોંગ્રેસની છાવણીમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો
ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે અનુસૂચિત જન જાતિ અનામત બેઠક છે, જિલ્લા પંચાયતમાં ૪૦ બેઠકો પૈકી ૩૩ બેઠકો પર ભાજપના ઉમેદવાર અને ૭ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા થયા હતા. જેથી ભાજપે બહુમતી મેળવી હતી.
પરંતુ જિલ્લા પંચાયતની હાડગુડ અનુસૂચિત જનજાતિ બેઠક પર કોંગ્રેસના ગૌરીબેન તડવી ચૂંટાઈ આવતા જિલ્લા પંચાયતમાં બહુમતી ભાજપની જ્યારે પ્રમુખ કોંગ્રેસના ચૂંટાય તેમ હતા. ત્યારે ભાજપે સારસાની જનરલ બેઠક પરથી વિજેતા અનુસૂચિત જાતિના ઉમેદવાર મયુરીબેન પટેલને મેદાનમાં ઉતાર્યા હતા.
આ વિશે ડીડીઓ દેવાહુતીએ માહિતી આપતા જણાવ્યું કે, મયુરીબેન મૂળ મહારાષ્ટ્રના આદિવાસી છે અને તેઓએ પટેલ જ્ઞાતિમાં લગ્ન કર્યા છે. જેથી તેઓ મહારાષ્ટ્રથી સ્થળાંતર કરી ગુજરાતમાં આવ્યા હોય તેઓનું મહારાષ્ટ્રનું જાતિ પ્રમાણપત્ર અમાન્ય ઠેરવ્યું હતું. અને જેના આધારે ભાજપના મયુરીબેનનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું હતું.