Last Updated on by Sampurna Samachar
સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા સતર્ક રહેવા સૂચના
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા NEET પેપર લીક વિરોધી આંદોલનની અસરને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સતર્ક બની ગયું છે. આંદોલનકારીઓ શહેરમાં એકત્ર થઈ શકે તેવી બાતમી મળતા અમદાવાદ પોલીસ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, મોટી સંખ્યામાં સમર્થકો ભેગા થવાની શક્યતાને પગલે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી, વિજય ચાર રસ્તા અને કોમર્સ છ રસ્તા જેવા મહત્વના વિસ્તારોમાં ચુસ્ત સુરક્ષા ગોઠવવામાં આવી છે.
સરકાર પાસે સિસ્ટમમાં સુધારા અને જવાબદારી નક્કી કરવાની માંગ
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ઝોન-૧ DCP , ACP , PI સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ઇન્ટેલિજન્સ વિભાગના અધિકારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. કોઈપણ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
વિરોધ પ્રદર્શનની અસર ગુજરાતમાં ન ફેલાય તે માટે ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા તમામ જિલ્લા પોલીસ વડાઓને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારો, જાહેર સ્થળો અને ભીડભાડવાળા વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.દિલ્હીના જંતર-મંતરથી શરૂ થયેલા વિદ્યાર્થી આંદોલનની અસર ગુજરાત સુધી પહોંચી છે.
અમદાવાદ, રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા અને જવાબદારીની માંગ કરી રહ્યા છે.વિદ્યાર્થીઓનું કહેવું છે કે મુદ્દો માત્ર એક પરીક્ષા પૂરતો સીમિત નથી, પરંતુ સમગ્ર ભરતી અને પરીક્ષા પ્રણાલીમાં વિશ્વાસ જળવાઈ રહે તે જરૂરી છે. તેઓ સરકાર પાસે સિસ્ટમમાં સુધારા અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યા છે.