Last Updated on by Sampurna Samachar
અમદાવાદ પોકસો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
પીડિતાને ૭ લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદની સ્પેશિયલ પોકસો કોર્ટે એક ઐતિહાસિક અને કડક ચુકાદો સંભળાવ્યો છે. પોતાની જ સગીર દીકરી પર હથિયારના જોરે વારંવાર દુષ્કર્મ આચરનાર સગા પિતાને કોર્ટે દોષિત ઠેરવીને જીવનના અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે પીડિતાને થયેલી અસહ્ય શારીરિક અને માનસિક પીડાને ધ્યાનમાં રાખીને રૂ.૭ લાખનું આર્થિક વળતર ચૂકવવાનો પણ મહત્વપૂર્ણ આદેશ કર્યો છે.

આ ચકચારી કેસની વિગત એવી છે કે, વર્ષ ૨૦૨૪માં અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનમાં નરાધમ પિતા વિરુદ્ધ IPC અને પોકસો એક્ટની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. પીડિતાની માતા આશરે આઠ વર્ષ પહેલાં ઘર છોડીને જતી રહી હોવાથી તે પોતાના મજૂરી કામ કરતા પિતા અને ભાઈ-બહેન સાથે રહેતી હતી.
હથિયારનો ભય બતાવી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું
પીડિતા જ્યારે ધોરણ-૧૦માં અભ્યાસ કરતી હતી, ત્યારે તે એક મિત્ર સાથે મોબાઈલ પર વાત કરતી હોવાની જાણ પિતાને થતા પ્રથમ તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. સગીરાને ઢોર માર માર્યા બાદ તે જ રાત્રે ધાબે સૂવા ગયેલી સગીરાને નીચે બોલાવી, દાતરડા જેવા તીક્ષ્ણ હથિયારનો ભય બતાવીને પિતાએ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.
આ નરાધમ પિતાએ દીકરીને ધમકી આપી હતી કે, જો તે આ અંગે કોઈને પણ વાત કરશે તો તેને જાનથી મારી નાખશે અને સમાજમાં બદનામ કરી દેશે. આ ડરના કારણે પિતા અવારનવાર દીકરીનું શારીરિક શોષણ કરતો રહ્યો અને પીડિતા લાંબા સમય સુધી મૌન રહી. આખરે ભયના ઓથારમાંથી બહાર આવીને સગીરાએ આ આપવીતી પોતાના એક મિત્રને જણાવી હતી અને હિંમત એકઠી કરીને વટવા પોલીસ મથકમાં નરાધમ પિતા સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તત્કાલીન સમયે પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરાવીને મજબૂત વૈજ્ઞાનિક અને દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કર્યા હતા. અદાલતમાં કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ કમલેશ જી. જૈને ધારદાર દલીલો કરી હતી. તેમણે મહત્વના સાક્ષીઓ અને ૨૨ જેટલા મજબૂત દસ્તાવેજી પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરીને ગુનો સાબિત કર્યો હતો.
સરકારી પક્ષે એવી દલીલ કરી હતી કે, પિતા-પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કરનારા આવા કિસ્સામાં સમાજમાં દાખલો બેસે અને ગુનેગારોમાં કાયદાનો ડર ઊભો થાય તેવી કડક સજા થવી અનિવાર્ય છે. બંને પક્ષોની દલીલો અને પુરાવાઓ ગ્રાહ્ય રાખ્યા બાદ, સ્પેશિયલ પોકસો કોર્ટના જજ એ.બી. ભટ્ટે આરોપી પિતાને તકસીરવાન ઠેરવ્યો હતો.
કોર્ટે માનવતા મરી પરવારી હોય તેવા આ કૃત્ય માટે આરોપીને મૃત્યુ સુધી જેલમાં રાખવાનો આદેશ કરવાની સાથે ૨૦ હજારનો દંડ પણ ફટકાર્યો છે. બાળકીઓ વિરુદ્ધ થતા જાતીય ગુનાઓ સામે કાયદાનો આકરો કોરડો વીંઝતો આ ર્નિણય કાનૂની ક્ષેત્રે અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે.