Last Updated on by Sampurna Samachar
ઇન્દોર થી અમદાવાદ જઇ રહેલી કારના અકસ્માતમાં એકનુ મોત
બેકાબૂ કાર મિની ટ્રક સાથે બાઇકને અડફેટે લીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ-ઇન્દોર હાઇવે પર કાનભાના ચંદિયાલ ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇન્દોરથી અમદાવાદ જતી એક કાર પૂરઝડપે ત્યાં ઊભેલી ટ્રક સાથે અથડાઈ હતી. જ્યાં કારમાં પાછળ બેઠેલા એક યુવકનું મોત નિપજ્યું હતું અને અન્ય ત્રણ ઈજાગ્રસ્ત થયા હતાં. મળતી માહિતી મુજબ, આ યુવકો એક આઇસ્ક્રીમ પાર્લરના ઉદ્ઘાટનમાં હાજરી આપવા અમદાવાદ જઇ રહ્યા હતા.
પોલીસની માહિતી મુજબ, ઇન્દોરથી કેટલાક યુવકો અમદાવાદમાં એક આઇસ્ક્રીમ પાર્લરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આવી રહ્યા હતા. આ દરમિયાન કારચાલકે અચાનક કાર પરથી કાબૂ ગુમાવતા ગાડી ત્યાં પાર્ક કરેલી મીનિ ટ્રક સાથે જોરથી અથડાઈ હતી. આ દરમિયાન તેણે એક બાઇકચાલકને પણ અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં ટક્કર એટલી જોરથી થઈ હતી કે, કારમાં પાછળ બેઠેલા એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
પોલીસે ડ્રાઇવર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
આ અકસ્માતના મૃતકની ઓળખ રજ્જુ ગૌડ તરીકે થઈ છે, જે પાછળની સીટ પર બેઠો હતો. આ સિવાય અન્ય ત્રણ ઈજાગ્રસ્તની ઓળખ અજય રાજપૂત, રાહુલ રાજપૂત અને પુષ્પક યાદવ તરીકે થઈ છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ, ડ્રાઇવર પુષ્પકની સ્થિતિ ગંભીર હોવાનું માલુમ પડ્યું છે.
આ વિશે વધુ માહિતી આપવા પોલીસે જણાવ્યું હતું કે, આ ચારેય યુવકો મિત્રો છે, જે વહેલી સવારે ઈન્દોરથી અમદાવાદ આવવા નીકળ્યા હતા. તેઓ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં પુષ્પક યાદવના નવા આઈસક્રીમ પાર્લરના ઉદ્ઘાટનમાં જતા હતા. જોકે, અમદાવાદ પહોંચે તે પહેલાં જ તેમને આ અકસ્માત નડ્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે ડ્રાઇવર પુષ્પક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અન્ય ઈજાગ્રસ્તોના નિવેદન અને સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.