Last Updated on by Sampurna Samachar
સ્થાનિક ચૂંટણીમાં આમને-સામને આવશે ભાજપ અને અજિત પવાર
અજિત પવારની પાર્ટી NCP એકલા હાથે ચૂંટણી લડવાની અટકળો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રમાં BMC અને સ્થાનિક નગર નિગમની ચૂંટણી પહેલાં જ મહાયુતિમાં તિરાડ પડી છે. મહાયુતિમાં ખેંચતાણ વચ્ચે અજિત પવાર એકલા ચૂંટણી લડવાની તૈયારી બતાવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રીની તાજેતરની મહારાષ્ટ્ર મુલાકાત દરમિયાન ભાજપના ઘણા નેતાઓએ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સામે ફરિયાદો કર્યા બાદ અજિત પવારની પાર્ટી NCP સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એકલા હાથે લડવાની અટકળો વહેતી થઈ છે.
ભાજપના નેતાઓએ ગૃહમંત્રી સમક્ષ અજિત પવાર પર ૨૦૨૪ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિરોધ કરનારા ઉમેદવારોને ટેકો આપવાનો આરોપ મૂક્યો હતો. જેના કારણે મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ મહાયુતિમાં તિરાડો પડી છે.
ચૂંટણી મામલે બેઠકો ગુમાવવાનો ભય વધ્યો
બંને પક્ષ વચ્ચે પશ્ચિમ મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં ખેંચતાણ જોવા મળી છે. જ્યાં ભાજપ અને અજિત પવારની આગેવાની હેઠળની NCP બંને મજબૂત પ્રભાવ ધરાવે છે. પશ્ચિમ મહારાષ્ટ્રમાં ભાજપે ૨૮ અને NCP એ ૧૫ બેઠક જીતી હતી. જ્યારે મરાઠાવાડામાં કુલ ૫૨ બેઠકમાંથી ભાજપે ૧૯ બેઠક અને એનસીપીએ ૮ બેઠક જીતી હતી.
મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનમાં સરકાર ચલાવી રહેલા ભાજપ અને એનસીપીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે બેઠકો ગુમાવવાનો ભય વધ્યો છે. પવારની પાર્ટી ભાજપના વર્ચસ્વ હેઠળની બેઠકો હાંસલ કરવા માંગતી હોવાની આશંકા ભાજપના નેતાઓ વ્યક્ત કરી છે.
પુણે, સાંગલી, પીંપરી, ચિંચવાડ, પર્ભાણી, જાલના અને બીડ સહિતની નગર પાલિકામાં મહાયુતિની એકતા પર સવાલો ઉઠ્યા છે. કારણ કે ભાજપ પોતાના મતદાર આધારને મજબૂત કરવા અને મહત્વપૂર્ણ જિલ્લાઓમાં પ્રભુત્વ મેળવવા માટે એકલા ઉતરે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. શિવસેના (યુબીટી) અને એનસીપી (શરદ પવાર)એ આ અંગે જણાવ્યું હતું કે, ભાજપ અને અજિત પવારની એનસીપી વચ્ચેની તિરાડો આગામી ચૂંટણીમાં મહાયુતિની યોજનાઓ પર પાણી ફેરવી શકે છે.
શિવસેના (યુબીટી)ના ધારાસભ્ય સચિન આહિરે જણાવ્યું કે, અજિત પવારથી માત્ર ભાજપના ધારાસભ્યો જ નહીં, પણ આખી કેબિનેટ ત્રાસી ગઈ છે. તેઓ ફંડની અછતનો સામનો કરી રહ્યા છે. તેમના પ્રોજેક્ટ અટકી ગયા છે. ઘણા વર્ષોના વિરોધ બાદ બંને પક્ષ એકબીજા સાથે કામ કરવા મજબૂર બન્યા છે.
એનસીપી (શરદ પવાર)ના ધારાસભ્ય રોહિત પવારે જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ ભાજપ જાણીજોઈને પોતે અજિત પવારથી નારાજ હોવાનો દેખાવ કરી રહ્યું છે. કદાચ ભાજપના નેતાઓ ઇચ્છે છે કે તેમની આ નારાજગી જાહેર થાય જેથી તણાવ વધે અને તેઓ સ્વતંત્ર રીતે ચૂંટણી લડી શકે.
ઉલ્લેખનીય છે, ભાજપ મુંબઈના પ્રમુખ આશિષ શેલારે અજિત પવારની એનસીપી સાથે કોઈ પણ પ્રકારના અણબનાવની ફરિયાદોને ફગાવી દીધી અને કહ્યું કે તેમની પાસે આવી કોઈ માહિતી નથી. એનસીપી (અજિત પવાર)ના સાંસસદ સુનિલ તટકરે પણ મહાયુતિ ગઠબંધન વચ્ચે સંપ અને એકતા હોવાનું જણાવતાં કહ્યું હતું કે, દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર અને એકનાથ શિંદે સહિત રાજ્યના ત્રણેય નેતાઓ વચ્ચે સંપૂર્ણપણે સહકાર અને સંપ છે. તેમની વચ્ચે કોઈ મતભેદ નથી.