Last Updated on by Sampurna Samachar
નિવૃત્તિ બાદ વેદ, ઉપનિષદ અને પ્રાકૃતિક ખેતીના અભ્યાસમાં સમર્પિત કરીશ
જે જિલ્લાઓમાં પાણીની અછત હતી તે જિલ્લાઓ હવે કરે છે કરોડોની કમાણી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ નિમિત્તે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સહકારી ક્ષેત્રની મહિલાઓ અને અન્ય સહકારી કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારમાં સહકારી ક્ષેત્ર મહિલાઓને આર્ત્મનિભર બનાવવા માટે એક મજબૂત માધ્યમ બન્યું છે.

અમિત શાહે કાર્યક્રમમાં બનાસકાંઠાનો ઉલ્લેખ કરી કહ્યું કે, ‘જ્યારે મારો જન્મ થયો ત્યારે બનાસકાંઠાના લોકોને અઠવાડિયામાં ફક્ત એક જ વાર નહાવા માટે પાણી મળતું હતું. મધ્યપ્રદેશ અને રાજસ્થાનના લોકો કદાચ આ વાતથી વાકેફ નહીં હોય, પરંતુ બનાસકાંઠા અને કચ્છ ગુજરાતના સૌથી વધુ પાણીની અછત ધરાવતા જિલ્લાઓમાંના એક હતા. આજે એક પરિવાર ફક્ત દૂધ ઉત્પાદનમાંથી વાર્ષિક એક કરોડ રૂપિયાની કમાણી કરે છે, જે એક મોટો ફેરફાર છે.’
દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી રહ્યું છે
તેમણે વધુમાં કહ્યું કે, ‘મેં ર્નિણય કર્યો છે કે, નિવૃત્તિ બાદ હું મારું બાકીનું જીવન વેદ, ઉપનિષદ અને પ્રાકૃતિક ખેતીના અભ્યાસમાં સમર્પિત કરી દઈશ. પ્રાકૃતિક ખેતી એક વૈજ્ઞાનિક પ્રયોગ છે, જેના અનેક ફાયદા છે. જેમ કે, રાસાયણિક ખાતરોથી ઉગાડેલા ઘઉં ક્યારેક કેન્સર, હાઈ બીપી, ડાયાબિટીસ અને થાઈરોઇડને લગતી આરોગ્યની સમસ્યાઓ સર્જે છે, જ્યારે પ્રાકૃતિક ખેતી શરીરને રોગમુક્ત રાખવાની સાથે કૃષિ ઉત્પાદકતા પણ વધારે છે.
ગૃહ મંત્રીએ સંબોધનમાં કહ્યું કે, ‘સહકાર મંત્રાલય વડાપ્રધાન મોદીના ‘સહકાર સે સ્મૃદ્ધિ’ના વિઝન મુજબ ખેડૂતોને સશક્ત બનાવીને, ગ્રામીણ અર્થતંત્રની સાથે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી રહ્યું છે.’ આ દરમિયાન અમિત શાહે ત્યાં હાજર લોકોના પ્રશ્નોનો પણ જવાબ આપ્યો હતો. એક વ્યક્તિના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, ‘અમે પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ (PACS) માટે લગભગ ૨૫ નાના વ્યવસાય મોડેલ ઓળખ્યા છે. બધા એ તેમને વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડીને સમૃદ્ધ બનાવવા માટે કામ કરવું જોઈએ.’