Last Updated on by Sampurna Samachar
સલેમા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધી પતિ-પત્નીની ધરપકડ
ત્રિપુરા પોલીસે ૧૫ લોકોની અટકાયત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ત્રિપુરામાં હમણાં વાયરલ વીડિયોમાં એક ઘરની અંદર પૂજાના રૂમમાં ભગવાન સામે નોટોના બંડલ જાેવા મળી રહ્યાં છે. તેની સામે એક મહિલા પલાંઠી વાળીને બેઠેલી છે. વીડિયોમાં એક અન્ય મહિલાનો પણ અવાજ આવી રહ્યો છે, જે કદાચ વીડિયો રેકોર્ડિંગ કરી રહી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી પોલીસ સફાળી જાગી છે. આ મામલે ત્રિપુરા પોલીસે એક મહિલા કોન્સ્ટેબલ અને ત્રિપુરા સ્ટેટ રાઈફલ્સના એક જવાનની ધરપકડ કરી છે. સાથે અન્ય ૧૫ લોકોની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

આ કેસ કરોડો રૂપિયાના નાણાકીય કૌભાંડનો હોય એવી આશંકા છે. અધિકારીઓએ જણાવ્યું કે, ત્રિપુરા પોલીસે જે મહિલાની ધરપકડ કરી છે તેનું નામ મેનકા દેબબર્મા જણાવવામાં આવી રહ્યું છે અને તે અગરતલ્લા ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ છે. તેના પતિનું નામ અજીત દેબબર્મા છે જે ત્રિપુરા સ્ટેટ રાઈફલ્સની ૧૪મી બટાલિયનનો જવાન છે.
આશરે ૫ કરોડ રૂપિયા રોકડ જપ્ત કરવામાં આવ્યાં
વીડિયો વાયરલ થતા પછી પોલીસે એક કથિત નાણાકીય કૌભાંડ સંબંધમાં ઢલાઈ જિલ્લાના સલેમા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધી પતિ-પત્નીની ધરપકડ કરી છે. તેને કમલપુર એસડીજેએમ કોર્ટમાં રજૂ કરવામાં આવી જ્યાં તેને સાત દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે.
મુખ્યમંત્રી માણિક સાહાએ કહ્યું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો જોયા પછી તેમણે સંબંધિત અધિકારીઓને આરોપીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું, “અમે કોઈ પણ અપરાધના આરોપીને ન તો છુપાવીએ છીએ અને ન તો તેની રક્ષા કરીએ છીએ. કાયદો પોતાનું કામ કરશે.”
એજન્સી અનુસાર હિરાસતમાં લીધેલા લોકોમાં કેટલીક મહિલાઓ, પોલીસકર્મી, ત્રિપુરા સ્ટેટ રાઇફલ્સના જવાન અને આરોગ્ય વિભાગનો એક કર્મચારી સામેલ છે. પોલીસને શંકા છે કે આમાં ગેરકાયદે નાણાકીય લેણ-દેણ અને માદક પદાર્થોની તસ્કરી સાથે જોડાયેલા એક અંતરરાજ્યીય ગેંગનો હાથ છે.
ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું કે તપાસ દરમિયાન આશરે ૫ કરોડ રૂપિયા રોકડ જપ્ત કરવામાં આવ્યાં છે. સાથે જ એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો જૂનો છે અને મહિલા કોન્સ્ટેબલના ઘરમાંથી કોઈ રોકડ મળી આવી નથી. અધિકારીઓએ જણાવ્યું કે હાલ તપાસ ચાલી રહી છે, જેના પછી જ વીડિયોમાં દેખાતા કેશની સાચી વાત સામે આવી શકશે.