Last Updated on by Sampurna Samachar
મહારાષ્ટ્રમાં ગરમીના મોજા માટે “ઓરેન્જ એલર્ટ”
હવામાન દરમિયાન સતર્ક રહેવાની ચેતવણી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર ભારતમાં તીવ્ર ગરમીના વાયરા વચ્ચે હવામાન વિભાગે ૧૩ રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને તોફાનનું એલર્ટ જારી કર્યું છે. એલર્ટમાં જણાવ્યું છે કે આ રાજ્યોમાં આગામી ૧૫ કલાકમાં મુશળધાર વરસાદ પડી શકે છે, જેમાં ૬૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગે બિહાર, ઝારખંડ, ઓડિશા અને ઉત્તરાખંડ માટે એલર્ટ જાહેર કર્યુ છે. જ્યાં લોકોને બગડતા હવામાન દરમિયાન સતર્ક રહેવાની ચેતવણી આપવામાં આવી છે. લોકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ ઘર છોડતા પહેલા તેમની આસપાસની પરિસ્થિતિ તપાસે અને જ્યાં સુધી ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી બહાર ન નીકળે.
૨૧ થી ૨૫ મે દરમિયાન ભારે ગરમ પવન ફૂંકાશે
દિલ્હીમાં ૨૧ થી ૨૩ મે દરમિયાન લોકોને ગરમીનો સામનો કરવો પડશે. તેમજ યુપીમાં ભારે ગરમીનો કહેર ચાલી રહ્યો છે. બાંદા જિલ્લામાં તાપમાન ૪૭.૬ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગે હવે પશ્ચિમ અને પૂર્વ ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસથી ઉપર વધવાની આગાહી કરી છે. ૨૧ થી ૨૫ મે દરમિયાન ભારે ગરમ પવન ફૂંકાશે. આગ્રા, નોઈડા, જાલૌન, બરેલી, વારાણસી, પ્રયાગરાજ અને કાનપુર માટે હીટવેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
રાજસ્થાનના મોટાભાગના ભાગોમાં ભારે ગરમી પડી રહી છે. જોરદાર, ધૂળિયા પવનોની અપેક્ષા છે. ૨૦ થી ૨૨ મે દરમિયાન ૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધૂળિયા પવન ફૂંકાશે. આગામી અઠવાડિયા સુધી રાજ્યના મોટાભાગના ભાગોમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે, જેમાં મહત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધવાની સંભાવના છે.
હવામાન વિભાગે ૨૫ મે સુધી બિહારમાં વાવાઝોડા અને ભારે પવન ફૂંકાય તેવી ચેતવણી જારી કરી છે. આ સમયગાળા દરમિયાન ૮૧ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. રાજધાની પટનામાં વાવાઝોડા અને વરસાદ પડી શકે છે, જ્યારે પૂર્ણિયા, ભાગલપુર અને ગયા માટે પણ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
મહારાષ્ટ્રનો વિદર્ભ પ્રદેશ તીવ્ર ગરમીના મોજાનો સામનો કરી રહ્યો છે. હવામાન વિભાગે ૨૦-૨૧ મેના રોજ અકોલા, અમરાવતી અને વર્ધા માટે તીવ્ર ગરમીના મોજા માટે “ઓરેન્જ એલર્ટ” જારી કર્યું છે. આગામી દિવસોમાં નાગપુર, વર્ધા, અકોલા, અમરાવતી અને યવતમાલ સહિત વિદર્ભના મોટાભાગના ભાગોમાં ગરમીથી રાહત મળવાની કોઈ આશા નથી.