Last Updated on by Sampurna Samachar
પુતિને ડિસેમ્બર ૨૦૨૫મા ભારતનો પ્રવાસ કર્યો હતો
બ્રિક્સ શિખર સંમેલનનું આયોજન થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ભારત આવશે તે માહિતી મળી છે. સપ્ટેમ્બર મહિનામાં આ આયોજન નવી દિલ્હીમાં યોજાવા જઇ રહ્યુ છે. વાત કરીએ તો એક વર્ષની અંદર બીજીવાર પુતિન નવી દિલ્હીની યાત્રા પર આવી રહ્યાં છે. રશિયાના રાષ્ટ્રપતિની આ ભારત યાત્રા બંને દેશો વચ્ચે મજબૂત અને ગાઢ સંબંધને દર્શાવે છે. પુતિનના ભારત પ્રવાસની પુષ્ટિ ક્રેમલિને કરી છે.

હકીકતમાં નવી દિલ્હીમાં ૧૨ અને ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬ના બ્રિક્સ શિખર સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં બ્રિક્સ દેશોના નેતા એકત્ર થશે, આ પ્રવાસ મહત્વપૂર્ણ છે કારણ કે તે ભારત અને રશિયા વચ્ચે વધતા રણીતિક અને રક્ષા સહયોગ વચ્ચે થઈ રહ્યો છે.
ભારતનો રશિયા સાથે સંબંધ વિદેશ નીતિની દ્રષ્ટિએ ખાસ
ખાસ વાત છે કે એક વર્ષમાં બીજીવાર પુતિન ભારતના પ્રવાસે આવી રહ્યાં છે. આ પહેલા રાષ્ટ્રપતિ પુતિને ડિસેમ્બર ૨૦૨૫મા ભારતનો પ્રવાસ કર્યો હતો, જ્યારે તેમણે ૨૩મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. વ્લાદિમીર પુતિન એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યાં છે. આ પહેલા તેઓ ડિસેમ્બરમાં ભારત આવ્યા હતા.
આ દરમિયાન બંને દેશો વચ્ચે યોજાયેલી બેઠકમાં ઘણા મહત્વના મુદ્દે ચર્ચા થઈ હતી. વર્ષ ૨૦૨૫ની પુતિનની ભારત યાત્રા એટલા માટે પણ ખાસ રહી, કારણ કે ૨૦૨૨મા રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ રાષ્ટ્રપતિ પુતિનની પ્રથમ ભારત યાત્રા હતી.
આ પહેલા પુતિન છેલ્લે ૨૦૨૧મા નવી દિલ્હીના પ્રવાસે આવ્યા હતા. મહત્વનું છે કે નવી દિલ્હીમાં આ વર્ષે યોજાનાર બ્રિક્સ શિખર સંમેલનમાં વૈશ્વિક સુરક્ષા પડકાર, આર્થિક સહયોગ અને બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થાને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવાની પ્રબળ સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે ભારતનો રશિયા સાથે સંબંધ વિદેશ નીતિની દ્રષ્ટિએ ખાસ છે. વિશેષ કરી છેલ્લા ઘણા દાયકાથી બંને દેશો વચ્ચે રક્ષા સહયોગ અને ઉર્જા સહયોગ રહ્યો છે. ભારત માટે રશિયાની મિત્રતા એટલા માટે પણ ખાસ છે, કારણ કે રશિયા હંમેશા રક્ષાના ક્ષેત્રમાં ભારતનું સહયોગી રહ્યું છે.
ભારતીય સેનાના હાર્ડવેરનો એક મોટો હિસ્સો રશિયાથી આયાત થાય છે. આ સિવાય ઉર્જાની જરૂરિયાત પુર્ણ કરવામાં પણ રશિયા મહત્વનું યોગદાન આપે છે. સૌથી ખાસ વાત છે કે વર્તમાન સ્થિતિમાં રશિયા ભારતની ઉર્જા સુરક્ષા માટે ખુબ મહત્વપૂર્ણ થઈ ગઈ છે. યુક્રેન સંઘર્ષ બાદ પશ્ચિમી દેશોએ રશિયા પર ઘણા પ્રતિબંધ લગાવ્યા હતા. તેમ છતાં ભારતે રશિયામાંથી સૌથી વધુ ક્રૂડ ઓયલની આયાત કરી હતી.