Last Updated on by Sampurna Samachar
ખાનગી બસ ઓપરેટરો અને સામાન્ય જનતામાં સરકાર સામે રોષ
મોટા પાયે બસોના રૂટ ઘટાડવાની ફરજ પડી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના વધતો ભાવ અને ઇંધણની અછતને કારણે હવે સામાન્ય જનજીવન અને ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા પર તેની ગંભીર અસરો જોવા મળી રહી છે. ડીઝલની અછતને લીધે ગુજરાતમાં ખાનગી બસ સેવાઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. પર્યાપ્ત માત્રામાં ડીઝલ ન મળવાને કારણે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોને મોટા પાયે બસોના રૂટ ઘટાડવાની ફરજ પડી રહી છે, જેના કારણે દૈનિક મુસાફરી કરતા હજારો મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, ડીઝલની તીવ્ર અછત અને વધતા આર્થિક બોજને કારણે ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા અંદાજીત ૩૦ ટકા જેટલી ખાનગી બસોના સંચાલનમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ડીઝલના પુરવઠામાં અનિયમિતતા હોવાને કારણે ઓપરેટરો માટે સમયસર બસો દોડાવવી મુશ્કેલ બની ગઈ છે. પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવને લઈને ખાનગી બસ ઓપરેટરો અને સામાન્ય જનતામાં સરકાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વધતા ખર્ચ સામે બસો ચલાવવી હવે આર્થિક રીતે પરવડે તેમ નથી.
પરિવહન વ્યવસ્થા સંપૂર્ણપણે ઠપ થવાની ભિતી
આ ઇંધણ સંકટની સૌથી મોટી આડઅસર એ થઈ છે કે રાજ્યભરમાં ૨૫૦ થી વધુ મહત્વના રૂટ બંધ કરવાની ફરજ પડી છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મુખ્ય શહેરોને જોડતા અનેક રૂટ પર ખાનગી બસોની ફ્રિક્વન્સી અડધી થઈ ગઈ છે.
વેકેશન અને લગ્નસરાની સિઝનમાં જ બસો બંધ થતાં મુસાફરોને મોંઘા ભાડા ચૂકવવા છતાં ટિકિટ મળી રહી નથી. જો આગામી દિવસોમાં ડીઝલનો પુરવઠો સામાન્ય નહીં થાય, તો આગામી સમયમાં પરિવહન વ્યવસ્થા સંપૂર્ણપણે ઠપ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.