Last Updated on by Sampurna Samachar
રૂ.૬૧.૧૫ લાખ જેટલી રકમ એડવાન્સ તરીકે આપી
બિલ્ડર દંપતી સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ફ્લેટ અને પ્લોટ આપવાના નામે રૂ.૭૦.૨૫ લાખની ઠગાઈનો આરોપ લગાવતી ફરિયાદ નોંધાઈ છે. CBI ગુજરાતમાં અધિક નિયામક તરીકે ફરજ બજાવતા પ્રવિણસિંહ લક્ષ્મણસિંહ માલે બિલ્ડર દંપતી સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, આરોપી અમિત નટવરલાલ જાની અને તેમની પત્ની જીજ્ઞાશાબેન અમિતભાઈ જાનીએ વર્ષ ૨૦૧૪થી ફરિયાદી સાથે મિત્રતા અને પારિવારિક સંબંધો કેળવી વિશ્વાસ મેળવ્યો હતો. ત્યારબાદ ગોદરેજ ગાર્ડન સિટી સ્થિત બેલ્વેડર ફ્લેટ વેચાણ દસ્તાવેજથી અપાવવાના બહાને વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૯ દરમિયાન રૂ.૬૧.૧૫ લાખ જેટલી રકમ એડવાન્સ તરીકે લેવામાં આવી હતી.
સમય જતાં ઠગાઇ થઇ હોવાનો થયો અહેસાસ
ફરિયાદમાં જણાવ્યા મુજબ, સંપૂર્ણ રકમ ચૂકવ્યા બાદ પણ આજદિન સુધી ફ્લેટનો વેચાણ દસ્તાવેજ કરી આપવામાં આવ્યો નથી. ત્યારબાદ વર્ષ ૨૦૨૦થી ૨૦૨૪ દરમિયાન ગ્રીનવુડ સ્કીમમાં બે પ્લોટ આપવાના નામે વધુ રૂ.૯.૧૦ લાખ લેવામાં આવ્યા હતા.
ફરિયાદીનો આક્ષેપ છે કે રકમ લીધા બાદ ન તો ફ્લેટ આપવામાં આવ્યો કે ન તો પ્લોટ આપવામાં આવ્યા. સમય જતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ફરિયાદીએ પોતાની લાલ ડાયરીમાં કોડવર્ડ દ્વારા કરેલી ચુકવણીઓની નોંધ રાખી હતી. આ ઉપરાંત અન્ય દસ્તાવેજી પુરાવાઓનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદી મુજબ, બિલ્ડર દંપતીએ આયોજનપૂર્વક કુલ રૂ.૭૦.૨૫ લાખની ઠગાઈ કરી હતી.
ફરિયાદમાં એટ્રોસિટી અંગે પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. ફરિયાદીનો આરોપ છે કે તેમની જાતિ અંગે જાણ હોવા છતાં આરોપીઓ દ્વારા તેમની પત્ની અને દીકરી સામે જાતિવાચક અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી.
આ મામલે પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા સાક્ષીઓના નિવેદન, દસ્તાવેજો અને અન્ય પુરાવાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. તપાસ બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.